વિજય માલ્યાને ટૂંક સમયમાં કરોડો પાઉન્ડનો બંગલો છોડવો પડશે
લંડન : સ્વિસ યુબીએસ બેન્કે દેવાંમાં ડૂબેલા કિંગફિશરના પૂર્વ માલિક વિજય માલ્યા, તેમની માતા અને પુત્ર લંડનના રિજેન્ટ પાર્ક સામે આવેલું તેમનું કરોડો પાઉન્ડની કિંમતનું મકાન ખાલી કરીને બેન્કને તેનો કબજો સોંપે તેવી દાદ માગતા બ્રિટનની હાઈકોર્ટમાં અરજી કરી છે.સ્વિસ બેન્કે કોર્ટને જણાવ્યું છે કે મકાન મોર્ગેજની મુદત પૂરી થવા છતાં વિજય માલ્યાએ દેવાંની ચુકવણી નથી કરી.
રોઝ કેપિટલ વેન્ચર લિમિટેડ, વિજય માલ્યા, માતા લલિતા માલ્યા અને પુત્ર સિદ્ધાર્થ માલ્યા સામે હાઈકોર્ટની બિઝનેસ અને પ્રોપર્ટી કોર્ટમાં દાખલ થયેલી અરજીની સુનાવણી ૨૪ ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે. રોઝ કેપિટલ વેન્ચર લિમિટેડે માર્ચ ૨૦૧૨માં સ્વિસ બેન્ક યુબીએસ પાસેથી ૨.૦૪ કરોડ પાઉન્ડ (રૂપિયા ૧૯૫ કરોડ)નું ધિરાણ મેળવવા મકાન મોર્ગેજ મૂક્યું હતું. યુબીએસે રજૂઆત કરી હતી કે માલ્યા, તેમના માતા અને પુત્ર તે મકાનમાં રહે છે અને ટ્રસ્ટના લાભાર્થી છે. રોઝ કેપિટલની માલિકી ગ્લાડકોની અને ગ્લાડકોની માલિકી સિલેટા ટ્રસ્ટની છે. સિલેટા ટ્રસ્ટ તે માલ્યા પરિવારનું ટ્રસ્ટ છે.
We are Social