વોશિંગ્ટન : અમેરિકાના આંતરિક સુરક્ષા વિભાગે જાણીજોઇને બોગસ યુનિવર્સિટીની રચના કરવાની મંજૂરી આપીને હજારો માઇલો દૂર અન્ય દેશોના વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોર્યા તેમ અમેરિકામાં વસતા એક ભારતીય વકીલે જણાવ્યું છે.
કેલિફોર્નિયા સ્થિત ભારતીય મૂળના અમેરિકન વકીલ અનુ પેશાવરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી અનેક ભારતીય વિદ્યાર્થીઓના મારા પર ફોન આવી રહ્યાં છે.
અમેરિકામાં ભારતીય મૂળના પ્રતિષ્ઠિત વકીલની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભારત સરકારે આ સંદર્ભમાં અમેરિકા દૂતાવાસનો સંપર્ક કરતા અમેરિકાએ જણાવ્યું હતું કે અટકાયત કરાયેલા ભારતીય વિદ્યાર્થીઓ જાણતા હતા કે તેઓ ગુનો કરી રહ્યાં છે.
પેશાવરિયાએ વધુમાં જણાવ્યું છે કે અમે એવું નથી કહી રહ્યાં કે વિદ્યાર્થીઓનો કોઇ દોષ નથી તેમણે યુનિવર્સિટીમાં એડમિશન લેતા પહેલા તમામ વસ્તુઓની તપાસ કરવી જોઇએ. જો તે કાવતરું ઘડીને ગુનો આચરી રહ્યાં હોય તો અલગ વાત છે પણ આ કેસમાં તો તેમને ગુનો આચરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી એટલે કે તેમને લાલચ આપીને ફસાવવામાં આવ્યા છે.
પેશાવરિયાએ જણાવ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓને ચિંતા સતાવી રહી છે કે હોમલેન્ડ સિક્યુરિટીની આ કાર્યવાહી તેમના સત્તાવાર રેકોર્ડમાં નોંધાઇ જશે. જેના કારણે તેમની આટલા વર્ષોની મહેનત નિરર્થક થઇ જશે.
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં બોગસ યુનિવર્સિટી ઓફ ફાર્મિંગટનમાં એડમિશન લેનારા ૬૦૦માંથી ૧૩૦ વિદ્યાર્થીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. જે પૈકી ૧૨૯ ભારતીયો છે.
We are Social