જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાની મોર્ટારમારામાં સેનાનો ૧ જવાન શહીદ

November 22, 2020

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદ ભડકાવવા માટે સતત પ્રયત્નશીલ રહેતા પાકિસ્તાને શુક્રવાર-શનિવારની રાત્રે એક કલાકે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં એલઓસી ખાતે ભારતીય ચોકીઓ પર બેફામ ગોળીબાર અને મોર્ટારમારો કરતાં ભારતીય સેનાના હવાલદાર પાટિલ સંગ્રામ શિવાજી શહીદ થયા હતા. ભારતીય સેનાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, નૌશેરા સેક્ટરમાં એલઓસી ખાતે પાકિસ્તાની સેના દ્વારા કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વિના યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી ભારતીય ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. ભારતીય દળોએ પણ પાકિસ્તાની સેનાને વળતો જવાબ આપ્યો હતો. આ ઘટનામાં હવાલદાર પાટિલ સંગ્રામ શિવાજીને ગંભીર ઈજા પહોંચી હતી. પાછળથી તેમનું મોત થયું હતું. હવાલદાર પાટિલ સંગ્રામ શિવાજી બહાદુર અને ઉચ્ચ જુસ્સાથી ભરપૂર સૈનિક હતા. ફરજ દરમિયાન તેમણે આપેલા સર્વોચ્ચ બલિદાનનો દેશ હંમેશાં ઋણી રહેશે. આ પહેલાં ગયા સપ્તાહમાં પાકિસ્તાની સેના દ્વારા ભારતીય ચોકીઓ અને નાગરિક વિસ્તારોને લક્ષ્યાંક બનાવીને અંધાધૂંધ મોર્ટારમારો કરાયો હતો જેમાં ભારતના ૫।ંચ જવાન શહીદ થયાં હતાં અને ૬ નાગરિકનાં મોત નીપજ્યાં હતાં. પાકિસ્તાની સેનાએ વર્ષ ૨૦૨૦માં એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ૨,૭૦૦ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. ૨૦૧૯માં ૩,૧૬૮ વાર અને ૨૦૧૮માં ૧,૬૨૯ વાર પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરાયું હતું. પાકિસ્તાની હુમલાઓમાં અત્યાર સુધીમાં આ વર્ષે ૨૧ નાગરિકનાં મોત થયાં છે. વર્ષ ૨૦૨૦માં સૌથી વધુ યુદ્ધવિરામ ઉલ્લંઘન માર્ચમાં ૪૧૧ વખત કરવામાં આવ્યું હતું.