સેન્ટ્રલ મેક્સિકોના એક બારમાં આડેધડ ફાયરિંગમાં 10નાં મોત

September 23, 2022

સેન્ટ્રલ મેક્સિકોના એક બારમાં ગુરુવારે ફાયરિંગની ઘટના નોંધાઇ છે અને તેમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર હુમલાખોરે બારમાં ઘૂસતાની સાથે જ આડેધડ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. બારમાં હાજર લોકોએ નાસભાગ શરૂ કરી દીધી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ વાઇરલ થયો છે જેમા લોકો ચીસો પાડતા સંભળાય છે, કેટલાક લોકો ભાગતા દેખાય છે અને સાથે ગોળીઓ છૂટવાનો અવાજ પણ સ્પષ્ટ સંભળાય છે.

અહેવાલો અનુસાર ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. જો કે હજુ સુધી ગોળીબાર પાછળનું અસલ કારણ જાણવા મળ્યું નથી. પોલીસના જણાવ્યા અનુસાર માનવામાં આવે છે કે આ ગેંગવોર હતી. બદલાની ભાવના સાથે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી કોઇ જૂથ દ્વારા આ ઘટનાની જવાબદારી લેવામાં આવી નથી.