10 ખેલાડીઓ જેમને IPLના પ્રદર્શનના આધારે મળી ટીમ ઇન્ડિયા માટે રમવાની તક, 10માંથી 6 ખેલાડીઓ ગુજરાતી, 5 મુંબઈ ઇન્ડિયન્સના

April 06, 2021

અમદાવાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગ ભારતમાં ગ્રાસરુટ ટેલેન્ટને નર્ચર કરવાનું કામ કરે છે. IPLમાં વિદેશ ખેલાડી સાથે રમવાનો અને તેમની રમતને નજીકથી નિહાળ્યા પછી ડોમેસ્ટિક ખેલાડીઓને સારો ફાયદો થાય છે. એક નજર એવા 10 ખેલાડીઓ ઉપર જે IPLમાં પોતાના પ્રદર્શન થકી ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યા છે. ઉલ્લેખનીય છે કે, આ 10માંથી 5 ખેલાડી એવા છે જે મુંબઈ ઇન્ડિયન્સ વતી રમે છે, જ્યારે 6 ખેલાડીઓ ગુજરાતી છે. ટેલેન્ટ અને તકનું સંગમ થાય છે તો આ ટૂર્નામેન્ટ કેવી રીતે લાઈફ ચેંજિંગ સાબિત થાય છે તે જાણીએ.

યુસુફ પઠાણ
આમ જોઈએ તો યુસુફ પઠાણે 2007ના ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યુ કર્યું હતું. જોકે તે દરમિયાન તે પોતાનું નામ બનાવી શક્યો નહતો. 2008ની સીઝન વખતે રાજસ્થાન રોયલ્સે તેને ખરીદ્યો હતો. પઠાણે IPL 2008ની 16 મેચમાં 435 રન કર્યા હતા અને 8 વિકેટ ઝડપી હતી. તેણે રોયલ્સને પ્રથમ સીઝનમાં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે પછી તેને તરત જ ભારતીય ટીમમાં ફરી સ્થાન મળ્યું હતું.

2008ની IPL પછી સીનિયર પઠાણ એટલો છવાઈ ગયો કે તે 2011ના વનડે વર્લ્ડકપમાં ભારતીય ટીમનો ભાગ હતો. તે ભારત માટે કુલ 57 વનડે અને 22 ટી-20 મેચ રમ્યો છે. તેણે 57 વનડેમાં 810 રન અને 33 વિકેટ અને 22 ટી20માં 236 રન અને 13 વિકેટ લીધી છે. આમ 2008ની IPLની સિઝન પછી પઠાણે બધાને પોતાની લાયકાતનો પરચો આપ્યો હતો. રોયલ્સ પછી પઠાણ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો ભાગ બન્યો હતો. હવે તેણે નિવૃત્તિ લઈ લીધી છે. તેને IPLના પ્રથમ ઇન્ડિયન પાવર હીટર તરીકે યાદ કરવામાં આવે છે.

રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજા 2008ની અંડર-19 વર્લ્ડકપ વિનિંગ ટીમનો ભાગ હતો. તે પછી જાડેજા રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો હતો. તે પછી તેને 1 વર્ષના બેનનો પણ સામનો કરવો પડ્યો હતો. 2011માં જડ્ડુ કોચી ટસ્કર્સ માટે રમ્યો હતો અને ત્યારબાદ 2012માં જાડેજાને ચેન્નાઇ સુપરકિંગ્સે પોતાની ટીમમાં લીધો હતો અને તે પછી બાપુએ પાછું ફરીને જોયું નથી. જાડેજાએ ભારત માટે ટેસ્ટ અને વનડે ડેબ્યુ તો વર્ષ 2009માં કર્યું હતું પરંતુ ચેન્નઈ હેઠળ ધોની સાથે જોડાયા પછી તે ભારતીય ટીમનો કાયમી સદસ્ય બન્યો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં નંબર 1 બોલર પણ બન્યો હતો. ટૂર્નામેન્ટની પહેલી સીઝનમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ને જડ્ડુનું નિકનેમ 'રોકસ્ટાર' પાડ્યું હતું અને આજે તે રોકસ્ટાર માફક જ રમતાં વર્લ્ડના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર્સમાંથી એક છે. તેણે ભારત માટે 51 ટેસ્ટમાં 220, 168 વનડેમાં 188 અને 50 ટી-20માં 39 વિકેટ ઝડપી છે. તેમજ ટેસ્ટ, વનડે અને ટી-20માં અનુક્રમે 1954, 2411 અને 217 રન બનાવ્યા છે. આ સીઝનમાં તે ડાબા હાથમાં ફ્રેક્ચર થયા પછી વાપસી કરી રહ્યો છે.

યૂઝવેન્દ્ર ચહલ
વિરાટ કોહલીની કપ્તાનીમાં 2015ની IPL યૂઝવેન્દ્ર ચહેલ માટે જોરદાર રહી હતી. તેણે તે સિઝનમાં 23 વિકેટ લીધી હતી. 2016માં ચહલે 21 વિકેટ લીધી હતી, તે વર્ષે બેંગલોર ફાઇનલમાં હાર્યું હતું. ત્યારબાદ ચહલ કેપ્ટ્ન કોહલીની ઇન્ડિયન સ્ટ્રેટેજીનો પણ ભાગ બની ગયો હતો. 2017માં તેનું ડેબ્યુ થયું હતું અને 2019ના વનડે વર્લ્ડ કપમાં તે કુલદીપ યાદવ સાથે ભારતના મુખ્ય સ્પિનર તરીકે ઉતર્યો હતો. હાલ કુલદીપ ટીમની અંદર-બહાર થતો રહે છે પણ ચહલ લેગ સ્પિનર તરીકે પોતાની ભૂમિકામાં કન્સિસ્ટન્ટ છે. ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણેની T-20માં તેનો દેખાવ સાધારણ રહ્યો હતો, જેને ટીમ મેનેજમેન્ટ જૂજ ઘટના તરીકે જોવે છે. ઓક્ટોબર-નવેમ્બરમાં દેશમાં થનાર T-20 વર્લ્ડ કપ પહેલાં યુઝી પૂરેપૂરી રિધમ મેળવવા તલપાપડ હશે. ચહલે ભારત માટે 54 વનડેમાં 92 અને 48 ટી-20માં 62 શિકાર કર્યા છે.

હાર્દિક પંડ્યા
હાર્દિકે પોતાની ડેબ્યુ સિઝન 2015માં જ પોતાની હાજરીથી બધાને પ્રભાવિત કર્યા હતા. તે મુંબઈ માટે છઠા ક્રમે આવીને હિટિંગ કરતો હતો અને મીડિયમ પેસ બોલિંગ પણ કરતો હતો. 2015ના વર્લ્ડકપ પછી ટીમ ઇન્ડિયા બોલિંગ ઓલરાઉન્ડરની શોધમાં હતી. 2016ના ટી20 વર્લ્ડકપ પહેલા પંડ્યાનું ડેબ્યુ થયું હતું. તેણે મોટા સ્ટેજ ઉપર મેચ્યોરિટી બતાવી હતી. અત્યારે કમરની ઇજાથી સ્વસ્થ થઇ રહેલો હાર્દિક, વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે ટીમ બેલેન્સના રૂપે સૌથી ઈમ્પોર્ટન્ટ ખેલાડી છે. તે ટીમને એક્સ્ટ્રા બેટ્સમેન/બોલર સાથે રમવાની ફ્લેક્સિબિલિટી આપે છે. તેણે ટીમ ઇન્ડિયા માટે 60 વનડેમાં 1267, 48 ટી-20માં 474 અને 11 ટેસ્ટમાં 532 વિકેટ ઝડપી છે. તેમજ ટેસ્ટ, વનડે અને ટી-20માં અનુક્રમે 17, 55 અને 41 વિકેટ ઝડપી છે.

અક્ષર પટેલ
અક્ષર માટે IPLમાં કિંગ્સ ઇલેવન પંજાબ વતી રમતાં 2014ની સીઝન યાદગાર રહી હતી. ત્યારે પંજાબની ટીમ ફાઇનલ સુધી પહોંચી ગઈ હતી પરંતુ ફિનિશિંગ લાઈન ક્રોસ કરી શકી નહોતી. તેણે મેચ પછી મેચ બહુ બધા ઈકોનોમિકલ સ્પેલ નાખ્યા હતા. 17 મેચમાં 17 શિકાર કરેલા અને માત્ર 6.13ની ઈકોનોમીથી રન આપ્યા હતા. તે સીઝન પછી તેને બાંગ્લાદેશ સામે ભારતને વનડેમાં રિપ્રેઝેન્ટ કરવાની તક મળી હતી. તેના એક વર્ષ પછી 2015માં અક્ષરે દેશ માટે ટી-20 ડેબ્યુ પણ કર્યું હતું. અક્ષરે ભારત માટે 38 વનડેમાં 45 અને 12 ટી-20માં 9 વિકેટ લીધી છે.


રવિચંદ્રન અશ્વિન
રવિચંદ્રન અશ્વિન સાઉથ ઝોનમાં સારું પ્રદર્શન કરી રહ્યો હતો તેથી તેને ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી રમવાની તક મળી. 2010ની ચેમ્પિયન્સ લીગમાં અશ્વિને 13 વિકેટ ઝડપી અને મેન ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો. તે પછી તેણે એ જ વર્ષે જૂનમાં શ્રીલંકા સામે વનડે ડેબ્યુ કર્યું હતું. શ્રીલંકા સામે કરિયરની પ્રથમ મેચમાં અશ્વિને 38 રન બનાવ્યા અને 2 વિકેટ ઝડપી. વનડે ડેબ્યુના એક અઠવાડિયા પછી અશ્વિને ટી-20 ડેબ્યુ કર્યું . હરારે ખાતે ઝિમ્બાબ્વે સામેની એ મેચમાં અશ્વિને 4 ઓવરમાં માત્ર 22 રન આપ્યા અને 1 વિકેટ ઝડપી. બસ અશ્વિનની કરિયર એકવાર ટ્રેક પર આવી અને તે કાયમી ધોરણે ટીમનો ઇન્ડિયાનો મેન પ્લેયર થઈ ગયો. આજે તે ટેસ્ટમાં વર્લ્ડના શ્રેષ્ઠ સ્પિનર્સમાંથી એક છે. જોકે, વનડે અને ટી-20 ટીમની બહાર થઇ ગયો છે અને લીગમાં સારું પ્રદર્શન કરીને લિમિટેડ ઓવર્સમાં વાપસીની દાવેદારી નોંધાવા માગશે.


જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહે 2012-13ની સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ગુજરાત વતી મહારાષ્ટ્ર સામે રમીને ટી-20 ડેબ્યુ કર્યું હતું. એ જ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પંજાબ સામે 14 રન આપીને 3 વિકેટ ઝડપતાં તેણે ગુજરાતને ચેમ્પિયન બનાવ્યું હતું. જોકે, તેને ખરેખરમાં લાઈમલાઈટ તો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની IPL ડેબ્યુ મેચ વખતે મળી હતી. 2013ની એ મેચમાં તેણે 32 રન આપીને 3 બેટ્સમેનને પેવેલિયન ભેગા કર્યા હતા. 2013માં તો બુમરાહ માત્ર 2 જ મેચ રમ્યો પરંતુ મુંબઈએ તેને 2014ની સીઝનમાં પણ બેક કર્યો હતો. 2014 અને 2015માં બુમરાહ વિકેટ્સ લેવા માટે ઝઝૂમ્યો પરંતુ તેને મોટા સ્ટેજની લત લાગી ગઈ હતી અને એ લેવેલે પરફોર્મ કરવાનો આત્મવિશ્વાસ પણ મેળવી લીધો હતો. 2016માં તેણે 15 વિકેટ ઝડપી અને ટીમ ઇન્ડિયા વતી ડેબ્યુ પણ કર્યું. ડેબ્યુ પછી થોડા મહિનામાં જ પોતાની કન્સિસ્ટન્સીના લીધે બુમરાહ ડેથ ઓવર્સમાં બોલ સાથે મિસ્ટર ડિપેન્ડેબલ થઈ ગયો અને આજે ટીમ ઇન્ડિયાનો ત્રણેય ફોર્મેટમાં મુખ્ય બોલર છે. તેણે 19 ટેસ્ટમાં 83, 67 વનડેમાં 108 અને 50 ટી-20માં 59 વિકેટ ઝડપી છે.

કૃણાલ પંડ્યા
કૃણાલ પંડ્યાએ 6 ઓક્ટોબર 2016ના રોજ ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યું હતું. રણજી ટ્રોફી રમ્યા પછી એ જ વર્ષે તે વિજય હઝારે ટ્રોફીમાં બરોડામાં હાઈએસ્ટ રન સ્કોરર અને હાઈએસ્ટ વિકેટ ટેકર હતો. તેણે 8 મેચમાં 366 રન બનાવ્યા હતા અને 11 વિકેટ ઝડપી હતી. તેનું ડોમેસ્ટિકમાં પ્રદર્શન જોતા મુંબઈએ 2016ના ઓક્શનમાં તેને 2 કરોડમાં ખરીદ્યો હતો. લીગમાં સતત બે વર્ષ સારું પરફોર્મ કરતાં 2018માં વેસ્ટ ઇન્ડિઝ સામેની T-20થી ઇન્ટરનૅશનલ કરિયરની શરૂઆત કરી હતી. તાજેતરમાં તેણે ઇંગ્લેન્ડ સામે વનડેમાં પણ ડેબ્યુ કર્યું હતું. આ વર્ષે ભારતમાં જ ટી-20 વર્લ્ડ કપ થવાનો હોવાથી કૃણાલ આ સીઝનમાં સારો દેખાવ કરી વર્લ્ડ કપ પ્રોબેબ્લસમાં પોતાનું નામ મજબૂત કરવા માગશે.