પાક.માં 100 બાળકોનો કિલર જાવેદ ઈકબાલ

January 29, 2022

  • સિરીયલ કિલર જાવેદ ઈકબાલની ફિલ્મ બનતા જ પાકિસ્તાનમાં જોરદાર વિરોધ શરૂ થઈ ગયો
  • રસ્તે રખડતા અને અનાથ બાળકોને લાલચ આપી જાવેદ હોમોસેક્સુઅલ રિલેશન બાંધતો અને બાદમાં હત્યા કરી લાશને એસિડ નાંખી ઓગાળી દેતો હતો
ભારતમાં 2006માં નોઇડા નજીક નિઠારી કાંડમાં મોહિન્દર સિંઘ પાંઠેર અને તેનું ઘરકામ કરતો સુરીન્દર કોલી ગુનેગાર તરીકે બહાર આવ્યા હતા, તેવો જ કાંડ પાકિસ્તાનમાં જાવેદ ઈકબાલે કર્યો હતો. નિઠારીમાં ૩૦ જેટલાં બાળકોની મોહિન્દર અને સુરીન્દરે હત્યા કરી હતી. જયારે પાકિસ્તાનમાં 1998થી 99ના વર્ષ દરમિયાન જાવેદ ઇકબાલ નામના નરાધમે અંદાજે સૌથી વધુ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાને આટલા વર્ષો બાદ જાવેદ ઇકબાલનું નામ પાકિસ્તાનમાં ફરી ચર્ચાની એરણે છે. તેનું કારણ જાવેદ ઇકબાલ પર બનેલી ફીલ્મ છે. જાવેદ તરફની જે નફરત પાકિસ્તાનમાં ફેલાયેલી છે. તેના કારણે ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે અને ફિલ્મ જોવી જોઈએ તેવો આગ્રહ ફિલ્મના ડિરેક્ટર અબુ અલિહા રાખી રહ્યા છે. ફિલ્મના ડિરેક્ટર અબુ અલિહા કહે છે કે, આ પાકિસ્તાનના ઇતિહાસનું ખરાબ પ્રકરણ છે. તેને ભૂલવા કરતાં યાદ રાખવું જોઈએ કે આવું થયું કેમ ? અબુ એમ પણ કહે છે કે, “તમે જાવેદ ઇકબાલને જુઓ. તેની જે પણ ક્લિપ આજે આપણી પાસે પર્યાપ્ત છે. તેનાથી ખ્યાલ આવે છે કે, તે એક સામાન્ય માણસ હતો. જો કોઈ આવો વ્યક્તિ તમારી પાસેથી પસાર થાય છે તો તમે તેની તરફ નજર સુદ્ધા કરવાનું વિચારતા નથી. આમ પણ જાવેદ કોઈ માટો મેન નહોતો. તે એક સામાન્ય માણસ હતો.” જાવેદ ઇકબાલનો આ ગુનો સામે ત્યારે આવ્યો જ્યારે તેણે ‘જંગ ડેલી’ નામના સ્થાનિક અખાબર અને પોલીસને પત્ર લખીને જણાવ્યું કે, મેં સો બાળકોની હત્યા કરી છે. આ ઘટના બાદ ખુદ જાવેદ ઇકબાલે સમર્પણ કર્યું અને તેની મળી રહેલી વીડિયો ક્લિપમાં તેને ક્યાંય વસવસો દેખાતો નથી. 
જાવેદ ઇકબાલે તેની સાથે આ ગુનામાં અન્ય ત્રણ સાગરિતોને પણ સાથે રાખ્યા હોવાનું કબૂલ્યુ હતુ. જો કે, તે સાગરિતો ત્રણેય કિશોર વયના હતા. જાવેદે હત્યાઓ કર્યા બાદ કબૂલ્યુ હતુ કે, તેણે આ બધુ બાળકો સાથે હોમોસેક્સુઅલ રિલેશન માટે કર્યું હતું. આ ક્રાઇમ તેણે એક વર્ષમાં કર્યો. બાળકો સાથે રિલેશનશિપ રાખીને તે તેમને ગળે ટૂંપો દેતો અને પછી મૃતદેહની ભાળ ન મળે તે માટે બાળકની લાશને તે એસિડ રેડીને ઓગાળી દેતો હતો. પાકિસ્તાનના લાહોરમાં એક વર્ષમાં સો જેટલાં બાળકો ગુમ થયા તેમ છતાં હોહા ન થઈ તેનું એક કારણ એ પણ હતું કે, આ તમામ બાળકો લાહોરના માર્ગ પર ફરતા ગરીબ અને અનાથ બાળકો હતા. આ બધાને પૈસા કાં તો ફિલ્મની લાલચ આપીને જાવેદ ઈકબાલ પોતાની પાસે બોલાવતો અને તે પછી તેનું શોષણ કરી તેને મોતને ઘાટ ઉતારી દેતો.
સામાન્ય રીતે સિરીઅલ કિલર્સનું હત્યા કરવાનું કારણ વાહિયાત હોય છે. જાવેદના કિસ્સામાં પણ આવું જ બન્યુ છે. જાવેદે આ બધું કર્યું તે માટે કેટલેક અંગશે લાહોર પોલીસે તેની સાથે કરેલાં વ્યવહારને પણ કારણભૂત દર્શાવ્યુ છે. ઇકબાલની એક ગુનાસર ધરપકડ કરવામાં આવ્યા બાદ ગુનો સાબિત થયો નહોતો. પોલીસે જાવેદને જ્યારે પકડ્યો ત્યારે તેની માતાએ તેને છોડવાની ખૂબ આજીજી કરી. તેની માતાને પછીથી હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થયું. આનો બદલો લેવા માટે જાવેદે આ ગુના કર્યા તેમ તેણે સ્વીકાર્યું છે. જાવેદે આ અંગે સત્તાવાર રીતે નિવેદન નોંધવતા કહ્યું હતુ કે જે રીતે મારી માતા રડતાં રડતાં મૃત્યુ પામી, તે રીતે હું સૌ માતાને રડતાં જોવાં ઇચ્છતો હતો. પોલીસ સમક્ષ  સમર્પણ કર્યા પછી કોર્ટ સામે જ્યારે જાવેદ ઇકબાલને રજૂ કરાયો ત્યારે તેણે જાતભાતની વાર્તા ઘડી કાઢી હતી. એક વાર તો તેણે એવું સુદ્ધા કહ્યું કે બધા જ ગુમશુદા બાળકો હયાત છે. તેણે એક પણ બાળકની હત્યા કરી નથી. જો કે, જાવેદને કોર્ટમાં રજૂ કરતા પહેલાં પોલીસે ગુના અંગેના પુરાવાઓ એકત્ર કરી લીધા હતા.
પાકિસ્તાનના ‘ડેલી જંગ’ નામના સ્થાનિક અખબાર રિપોર્ટરને જાવેદનો પત્ર મળ્યો હતો. તેણે ઇકબાલના ઘરે લોહિના ડાઘ, મૃત્યુ પામેલાં બાળકોનાં કપડાં-પગરખાં જોયા હતા. પોલીસને પણ તેનાં ઘરેથી હત્યાના મજબૂત પુરાવા મળી આવ્યા હતા. આ કેસમાં પુરાવા તરીકે મજબૂત આધાર બન્યો તે જાવેદનો ‘ડેલી જંગ’ ન્યૂઝપેપરને આપેલો ઇન્ટરવ્યૂ હતો. જાવેદે જે અખબારને સરેન્ડર માટે પત્ર લખ્યો હતો તે અખબારના ક્રાઈમ રિપોર્ટરે જાવેદનો ઇન્ટરવ્યૂ લીધો હતો. આ ઇન્ટરવ્યૂ રેકોર્ડ પણ કરવામાં આવ્યો હતો. જાવેદ જ્યારે કોર્ટમાં નિવેદન બદલી રહ્યો હતો ત્યારે અખબારના રિપોર્ટનો આ ઇન્ટરવ્યૂ કોર્ટમાં પુરાવા રૃપે રજૂ કરાયો હતો. જાવેદ ઇકબાલના ઇન્ટરવ્યૂનો ત્રીસ મિનિટનો હિસ્સો તો એવો હતો જેનો અખબાર દ્વારા પ્રસિદ્ધ અહેવાલોમાં ક્યાંય ઉલ્લેખ કરાયો નહોતો. આ વીડિયોમાં એક સમયે જાવેદે કહ્યું હતુ કે, ‘હા, ખુદ માર દિયા થા’. જો કે આ વીડિયો કોર્ટમાં રજૂ કર્યા બાદ પણ જાવેદે તેણે કોઈને માર્યા નથી અને આ ફિલ્મ સાથે ચેડાં કરવામાં આવ્યાં છે તેવું રટણ કર્યુ હતુ.
 જો કે, પછીથી પોલીસ દ્વારા થયેલી તપાસમાં જાવેદ ઇકબાલની ડાયરી મળી આવી હતી. 32 પાનાંની ડાયરીમાં જાવેદે કરેલાં ગુનાનું વર્ણન હતુ. આ ઉપરાંત તેના ઘરે પ્લકાર્ડ પણ મળી આવ્યા, જેમાં પણ તેણે ગુનાની વિગત નોંધી છે. આ બધાં પુરાવાના આધારે તેણે જે રીતે ગુના કર્યા છે તે જ પ્રમાણે તેને સજા કરવાનો હૂકમ કોર્ટે કર્યો હતો. મતલબ કે, તેના શરીરના સો ટુકડા કરી એસિડમાં નાંખવામાં આવે. આ હૂકમના વિરોધમાં પણ પાકિસ્તાનમાં અવાજ ઊઠ્યો, પરંતુ આ વિવાદ આગળ વધે તે પહેલાં જાવેદે કસ્ટડીમાં જ આત્મહત્યા કરી લીધી હતી.
એક વાર તેણે કોઈ સમૃદ્ધ વ્યક્તિના દીકરાને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ મામલો ખૂબ ચગી જતાં જાવેદે લેખીતમાં માફી માંગવાની નોબત આવી હતી. જાવેદે તે સમયે માફી માંગીને દંડ પણ ભર્યો હતો. જો કે, તે પછી પણ તે સુધર્યો ન હતો. તેણે બાળકોને આકર્ષવા ફીશ એક્વેરીયમ, જીમ શરૂ કર્યા અને એરકન્ડીશન સ્કૂલ પણ ચાલુ કરી હતી.  જો કે, જાવેદના કોઈ પણ સંસ્થાનોમાં કોઈ પોતાના બાળકોને મોકલવા તૈયાર નહોતું. પછીથી તેણે એક મેગેઝિન પણ શરૂ કર્યું જેમાં તે પોલીસની બહાદુરીના કિસ્સા વર્ણવતો હતો. પાકિસ્તાનના લાહોરમાં તેનો અસામાન્ય વ્યવહાર દાયકા સુધી ચાલ્યો અને અંતે તે સિરીઅલ કિલર બની ગયો હતો. 
જેમ અત્યારે ફિલ્મ બની તેમ જાવેદ પર અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં અનેક લેખ લખાઈ ચૂક્યા છે. ઉપરાંત નાની મોટી ડોક્યુમેન્ટરી બની ચુકી છે.  જાણીતાં અખબાર ડૉન દ્વારા પણ જાવેદના ઇતિહાસ વિશે તપાસ કરીને એક લેખ લખાયો હતો. જેમાં જાવેદ ગુનો કર્યા અગાઉ શું હતો તેની વિગતો હતી. ‘ડૉન’ના આ અહેવાલમાં નોંધવામાં આવ્યુ હતુ કે, “સાયકોલોજિસ્ટ જાવેદ ઇકબાલને લોકો લાડ પ્યારમાં ઉછરેલો બાળક કહેતાં, જેને ખરાબ આદતની લત લાગી ચૂકી હતી. આ લતથી જ તે પોતાની આસપાસ કિશોરવયના બાળકોની એક ટોળકી રાખતો. તે યુવાન વયનો થયો ત્યારથી જ તેની છાપ બાળકોને સેક્સુઅલી પરેશાન કરવાની રહી હતી. ખૂબ નાની ઉંમરે તેની પાસે મોટરબાઈક આવી ચૂકી હતી અને તે પોતાની ઇચ્છા માટે બાળકોને જાતભાતની લાલચ આપતો હતો. નાના બાળકોને પોતાની સાથે કર્યા બાદ તે તેમને મોંઘી ગિફ્ટ આપતો. તે મોહમ્મદ અલી મુઘલ નામના વેપારીનો દીકરો હતો. તેણે ઇસ્લામિયા હાઇસ્કૂલમાંથી દસમું ધોરણ પાસ કર્યું હતું. અને જ્યારે તે કોલેજમાં આવ્યો ત્યાં સુધી તેણે પોતાનો બિઝનેસ શરૂ કરી દીધો હતો. 
તેના પિતા શદબગઢ નામની જગ્યામાં બે બંગલો ધરાવતાં હતા. જયાં એક બંગલામાં તેણે પોતાના સ્ટીલનો બિઝનેસ શરૂ કર્યો. તેની ખરાબ આદત-સંગતની જાણ તેના પરિવારને પણ થઈ તેમ છતાં જાવેદે કોઈને પણ પોતાના જીવનમાં દખલ કરવાની પરવાનગી આપી નહોતી. 1990માં એક બાળકને સેક્સુઅલી પરેશાન કરવા અર્થે તેના પિતાએ ઇકબાલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. જે બાદ પોલીસને ઇકબાલ તો ન મળ્યો, પણ તેના પિતા અને બે ભાઈઓને સાત દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતુ. આઠમાં દિવસે જાવેદ ઈકલબાલ પોતે જ સરેન્ડર થયો અને પિતા-ભાઈઓ છૂટયા હતા. એક કિશોર તેનાથી અળગો ન થાય તેના માટે તેણે પોતાના નિકાહ તેની મોટી બહેન સાથે કર્યા. જો કે તે લગ્ન લાંબા ન ટક્યા. જાવેદની આ છબી જાણીતી હતી.