ભારતમાં 100 કરોડને વેક્સિનના ડોઝ, સૌથી મોટી ઉપલબ્ધિ

October 30, 2021

કોરોના કાળમાં સૌથી વધુ પ્રભાવિત પૈકીના ભારત દેશમાં આજે 100 કરોડ લોકોને ડોઝ અપાઈ ચૂક્યો છે. ભારતની વિશાળ જનસંખ્યાને જોતાં રસીકરણ અભિયાન મોટો પડકાર હતો. પરંતુ આમ છતાં સરકારનુ આયોજન અને નાગરિકોનો સહકાર ભેગો થતાં આજે અભિયાન મોટી સફળતા તરફ આગળ વધી ગયુ છે. કોરોના મહામારી વિરુદ્ધના અભિયાનમાં ભારત માટે ૨૧ ઓક્ટોબરનો દિવસ ઐતિહાસિક ગણાશે. આ દિવસે દેશમાં વેક્સિનના ડોઝનો આંકડો ૧૦૦ કરોડને વટાવી ગયો હતો. ભારતના વેક્સિનેશન અભિયાનની દુનિયાભરમાં પ્રશંસા થઇ રહી છે. કોરોના વેક્સિનેશનમાં હવે ભારત માત્ર ચીનથી જ પાછળ છે. ચીનમાં વેક્સિનના બે અબજથી વધારે ડોઝ અપાઇ ચૂક્યાં છે. વેક્સિનેશનના મામલે ભારતનું પ્રદર્શન અમેરિકા કરતા પણ સારું રહ્યું છે.  બીજા દેશો તો ભારત સામે રેસમાં પણ ક્યાંય નથી. 
ભારતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનની શરૂઆત ૧૬ જાન્યુઆરી 2021થી થઈ હતી. તે સમયે વેક્સિનેશન માટે દેશભરમાં ત્રણ હજારથી વધારે સેન્ટર બનાવાયા હતા. પહેલા તબક્કામાં સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન કર્મચારીઓને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. રસીકરણના પહેલા જ દિવસે આશરે બે લાખ જેટલા લોકોને વેક્સિન મૂકવામાં આવી હતી. જે પછીના તબક્કામાં ૬૦ વર્ષથી ઉપરની વયના લોકોને અને પહેલી એપ્રિલથી દેશમાં ૪૫ વર્ષથી ઉપરના લોકોને વેક્સિનના ડોઝ મળવા માંડ્યા હતા. ત્યારબાદ મે મહિનાથી દેશમાં ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવાની જાહેરાત કરાઈ. શરૂઆતમાં તો વેક્સિનને લઇને લોકોમાં આશંકા અને ગભરાટહતો. લોકો વેક્સિન લેતા ખચકાતા હતાં. ખાસ કરીને ગામડાના લોકોમાં વેક્સિનને લઇને અનેક ભ્રમ ફેલાયા હતાં. 
તેથી લોકોના ભ્રમને દૂર કરીને વેક્સિન પ્રતિ જાગૃતિ લાવવામાં તંત્રને ખાસી જહેમત ઉઠાવવી પડી.  જો કે, લોકોમાં જાગૃતતા અને આરોગ્ય વિભાગના કર્મચારીઓની જહેમત આખરે રંગ લાવી છે. અને આજે એક વર્ષ કરતા પણ ઓછા ગાળામાં વેક્સિનેશનમાં ભારતનું નામ ગૂંજતુ થયુ છે. ભારતમાં શરૂઆતમાં બે વેક્સિનને મંજૂરી મળી. એમાં કોવીશિલ્ડ વેક્સિને ટ્રાયલના ત્રણ તબક્કા સાંગોપાંગ પાર પાડયાં હતાં, જ્યારે કોવેક્સિનના ત્રીજા તબક્કાના પરિણામ આવવાના બાકી હતાં.  ખરેખર તો ભારતમાં એકસાથે બે વેક્સિનની મંજૂરી મળ્યા બાદ આપણે એવા દેશોમાં સામેલ થઇ ગયાં જ્યાં વિજ્ઞાને ભારે પ્રગતિ સાધી છે.  વેક્સિનેશનનો ઉદ્દેશ જ એ હતો કે સમાજના દરેક વર્ગને રસી આપીને કોરોના વિરુદ્ધ રોગપ્રતિકારક શક્તિ પેદા કરવામાં આવે. જેથી કરીને દેશવાસીઓ પહેલાની જેમ સામાન્ય જીવન જીવી શકે. એ સમાચાર પણ રાહતભર્યા છે કે કોરોનાથી સાજા થનારા લોકોની ટકાવારી ૯૮ થઇ છે અને સંક્રમિતોની સંખ્યા બે લાખથી ઓછી થઇ છે. 
માસ્ક હટાવવા માટે ઓછામાં ઓછી પચાસ ટકા વસતીને વેક્સિનના બંને ડોઝ લાગી ચૂક્યા હોવા જોઇએ. પચાસ ટકા લોકો સંપૂર્ણ વેક્સિનેટેડ થઇ ચૂક્યાં હોય એવાં ઘણાં દેશો માસ્કફ્રી કરી દેવામાં આવ્યાં છે. જોકે ડેલ્ટા વેરિએન્ટ ત્રાટક્યાં બાદ કેટલાંક દેશોમાં ફરી પાછા માસ્ક ફરજિયાત કરવામાં આવ્યાં છે.  જે દેશોને માસ્ક ફ્રી કરવામાં આવ્યાં છે ત્યાં વસતીની ગીચતા ભારત જેટલી નથી. જાણકારોના મતે જ્યાં સુધી ૮૫ ટકા વસતીને વેક્સિનના બંને ડોઝ ન લાગી જાય ત્યાં સુધી સાવચેતી રાખવી જરૂરી છે.