માસ્ક ન પહેરનારા પાસેથી ૧,૦૦૦ વસૂલો : HCનો આદેશ

August 05, 2020

અમદાવાદઃ કોરોના મુદ્દે હાઈકોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, માસ્ક ન પહેરતા લોકો પાસેથી દંડ પેટે રૂ. ૧ હજારનો દંડ વસુલો અને આ માટે સરકાર નોટિફ્કિેશન/ ઠરાવ/ પરિપત્ર બહાર પાડે. હાઈકોર્ટે સરકારને સ્પષ્ટ રીતે કહ્યું છે કે, જે લોકો માસ્ક પહેરતા નથી અને કાયદાનુ પાલન કરતા નથી, તેમના માટે સમયાંતરે આકરા પગલા લો. સરકાર એવુ ન વિચારે કે આકરા પગલા લેશું, તો લોકો નારાજ થશે અને સરકાર સામે તિરસ્કારનો ભાવ પેદા થશે. વર્તમાન સમયમાં મહત્વનુ શું છે, તે વિચારો. લોકો પણ સાવચેતી દાખવે અને માસ્ક પહેરીને સરકારને સહયોગ આપે.હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, અમદાવાદમાં કોરોના ફ્રીથી વકરે નહીં તે માટે, સુરત અને અમદાવાદ વચ્ચેની અવરજવર બંધ કરો. જ્યાં સુધી સુરતની સ્થિતિ સુધરે નહીં, ત્યાં સુધી સુરતથી અમદાવાદ વચ્ચેના જાહેર અને ખાનગી વાહન વહેવાર પર રોક લગાવો. રાજ્યમાં કોરોના ગ્રામીણ વિસ્તારો સુધી પ્રસર્યો છે. આ ચિંતાજનક બાબત છે, જેને રોકવામાં આવે. અમદાવાદ જિલ્લામાં પ્રવેશ માટેના દરેક પોઇંટ્સ પર લોકોના કોરોનાના ટેસ્ટિંગ કરો અને જે લોકો નેગેટિવ આવે તેમને જ શહેરમાં પ્રવેશવા દો. હાઈકોર્ટે રાજ્ય સરકારને એ પણ આદેશ કર્યો છે કે, રાજ્યમાં જાહેર કે ધાર્મિક મેળાવડા પર રોક લગાવવામાં આવે અને આ માટે કડક નિર્ણય લો. મહામારીના કાળમાં લોકોની બિમારી કે આરોગ્યના નામે જે લોકો નફખોરી કરતુત કરે છે, તેમની સામે આકરા પગલા લેવામાં આવે. હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે કે, લાગણીઓમાં તણાઈને જો લોકોને સામાજિક કે ધાર્મિક મેળાવડાની મંજૂરી આપવામાં આવશે તો કમ્યુનિટી ટ્રાંસમિશનની સંભાવના વધશે. જો આ પ્રકારની સ્થિતિ સર્જાશે તો, અસંખ્ય લોકો કોરોનાથી સંક્રમિત થશે અને તેનાથી સ્થિતિ વણસી શકે છે. આ સંજોગોમાં લોકો સારવાર માટે ક્યાં જશે, તેમની સારવાર કરવા માટે આપણી પાસે પૂરતી દવાઓ, ડોક્ટર્સ કે પથારીઓ છે ખરી ? આ સ્થિતિમાં સમગ્ર મેડિસિન માળખુ ધ્વસ્ત થશે, ભારે નુકસાન થશે અને લોકોની જિંદગી દાવ પર લાગી જશે. હાઈકોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે કે, ગુજરાતમાં હજુ હર્ડ ઈમ્યુનિટી વિકસી નથી. જેથી લોકોએ વાઈરસના મુદ્દે બેદરકાર બનીને ફ્રવુ જોઈએ નહીં. આ વલણ છે, તે બહુ ઘાતક છે.