વિશ્વમાં 1.06 કરોડ કેસઃ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ફરી લોકડાઉન

July 01, 2020

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 1 કરોડ 6 લાખ 14 હજાર 957 કેસ નોંધાયા છે. જેમાં 5 લાખ 14 હજાર 629 લોકોના મોત થયા છે. 58 લાખ 24 હજાર 883 લોકોને સારવાર પછી રજા અપાઈ છે.બીજી બાજુ ઓસ્ટ્રેલિયાના બીજા ક્રમનું સૌથી મોટું શહેર મેલબોર્ન શહેરમાં ફરી વખત લોકડાઉન કરવામાં આવ્યુ છે. અહીં કોરોનાના કેસમાં મોટા પ્રમાણમાં વધારો થતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અહીં આશરે 3.20 લાખ લોકોને તેમના ઘરમાંથી બહાર નહીં નિકળવા સલાહ આપવામાં આવી છે. લોકડાઉન બુધવાર મધ્યરાત્રીથી એટલે કે 12 વાગ્યાથી લાગૂ થશે.

મેલબોર્નમાં લોકડાઉન ચાર સપ્તાહ માટે લગાવવામાં આવ્યુ છે. શહેર સાથે જોડાયેલી તમામ ફ્લાઈટને રદ્દ કરી દેવામાં આવી છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે કહેવામાં આવ્યુ છે.

અમેરિકામાં 27.28 લાખ કેસ નોંધાયા છે. 1.30 લાખ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 11.44 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકાના અમુક રાજ્યોમાં સંક્રમણના કેસ વધ્યા છે. હેલ્થ એક્સપર્ટ ડો. એન્થની ફૌસીએ મંગળવારે કહ્યું કે લોકો લાપરવાહી કરતા રહ્યા તો ટૂંક સમયમાં દરરોજ એક લાખ કેસ નોંધાશે. તેમણે કહ્યું કે હાલ દરરોજ 40 હજાર કેસ નોંધાય છે. મહામારી હજુ  આપણી વચ્ચે ખતમ થઈ નથી.

ટ્રમ્પે કહ્યું-ચીન માટે મારો ગુસ્સો સતત વધતો જશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે જેમ જેમ કોરોના કેસ વધતા જશે તેમ -તેમ તેમનો ગુસ્સો ચીન માટે વધતો જશે. ટ્રમ્પે ટ્વિટ કર્યું- જે પ્રમાણે તે જોઈ રહ્યા છે, મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે. અમેરિકાને પણ ઘણુ નુકસાન થયું છે. હું ચીન પ્રત્યે મને ઘણો ગુસ્સો છે. લોકો તેને જોઈ શકે છે અને અહેસાસ કરી શકે છે.