દેશમાં કોરોનાથી 10મું મોત, કુલ દર્દીઓ 536

March 25, 2020

નવીદિલ્હીઃ કોરોના વાયરસના ઝપેટમાં લગભગ આખો દેશ આવી ગયો છે. ભારતમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 536 થઈ ગઈ છે. 24 કલાકમાં 69 નવા કેસ સામે આવ્યા છે. તમિલનાડુના મદુરાઈમાં કોરોના વાયરસથી પીડિત એક 54 વર્ષના વ્યક્તિનું મોત નિપજ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલ આંકડા અનુસાર, મરનારાઓનો આંકડો 9થી વધીને 10 થઈ ગયો છે. WHOના રિપોર્ટ અનુસાર, હાલ વિશ્વભરમાં COVID-19ના 372,000 પોઝિટિવ દર્દીઓ છે. તો લેટેસ્ટ આંકડા અનુસાર, 16000 લોકોના મોત નિપજ્યાં છે.  પ્રધાનમંત્રી મોદીએ 21 દિવસ સુધી દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે. કોરોના સંકટને સંપૂર્ણ દેશમાં ટાળવા 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરાયું છે, એટલે કે 14 એપ્રિલ સુધી દેશમાં લોકડાઉન થયું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ એ જ આ મહામારીને નાથવાનો એકમાત્ર ઉપાય છે. પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરીને દેશવાસીઓને તેનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી. વર્તમાન સમયમાં વિકરાળ બની રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખી દેશમાં આજે મધ્યરાત્રીથી ઓછામાં ઓછા 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે.