રાજકોટમાં કોરોનાથી વધુ ૧૧નાં મોત: નવા ૩૯ કેસ, હવે ફેરિયાનું ટેસ્ટિંગ

August 01, 2020

રાજકોટ: સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ મોતનો આંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં આજે વધુ ૧૧ લોકોના કોરોનાથી મોત નીપજ્યાં હતાં જેમાં ૯ લોકોના સિવિલ હોસ્પિટલમાં અને એક વ્યક્તિનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રાજકોટમાં ગુરૂવારના સાંજના ૫ વાગ્યાથી શુક્રવારે બપોરના ૧૨ વાગ્યા સુધીમાં નવા ૩૯ કેસ નોંધાયા હતા અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક ૧૭૦૦ને પાર પહોંચી ગયો છે. જ્યારે જામનગરમાં છેલ્લા ૧૨ કલાકમાં ૩૩ કેસ પોઝિટિવ નોંધાયા હતા. જસદણમાં ત્રણ, દીવમાં આઠ અને જામનગરમાં એક સાથે ૩૩ કેસ નોંધાયા હતા.


રાજકોટમાં ઓછા ટેસ્ટ વચ્ચે પણ કોરોના સંક્રમણ વધી રહ્યું હોવા છતા ટેસ્ટિંગ વધારવામાં આવતું ન હોવાની ફરિયાદોને પગલે તાજેતરમાં જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજકોટમાં પહોંચી જઇને તંત્રને ડબલ ટેસ્ટીંગ કરવાની સૂચના આપી હતી, પરંતુ ૬ દિવસમાં સરેરાશ ૩૨૩ ટેસ્ટ ડબલ કરવાને બદલે ગઈકાલે ગુરૂવારે માત્ર ૩૩૬ ટેસ્ટ જ થયા હતા. જોકે, શુક્રવારથી શાકભાજીના લારીવાળા સહિતના ફેરીયાઓનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતુ. દરમિયાન દીવમાં આજે વધુ આઠ કેસ નોંધાયાં હતા જ્યારે ૮ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જસદણ શહેરમાં આજે બે અને વિરનગર ગામમાં એક કેસ પોઝિટિવ નોંધાયો હતો.