કેનેડામાં નોકરીની લાલચ આપી ખાતામાંથી 1.20 લાખની ઉચાપત

October 16, 2020

અમદાવાદ : સાબરમતીના રહેવાસીને કેનેડામાં નોકરી અપાવવાની લાલચ આપીને તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૃ.૧,૨૦,૦૦૦ ઉપાડી લઈને ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે સાબરમતી પોલીસે અજાણ્યા શખ્સ વિરૃધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ સાબરમતીમાં શુભ સોનલ સોસાયટીમાં રહેતા સત્યેન્દ્ર એલ.શર્મા(૫૧) ભાડજમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ૨૧ ઓગસ્ટના રોજ તેમણે અખબારમાં કેનેડામાં હોટેલ અનેમોલમાં નોકરી માટે માણસો જોઈએ છે એવી જાહેરાત વાંચીને તેમાં જણાવેલા નંબર પર ફોન કર્યો હતોખ્જેમાં ફોન ઉપાડનારા શખ્સે સત્યેન્દ્રભાઈને તેમના પાસપોર્ટનો ફટો વોટ્સએપ પર મોકલવા જણાવતા તેમણે પાસપોર્ટ અને બાયોડેટા મોકલી આપ્યા હતા. સત્યેન્દ્રભાઈએ સરનામુ પુછતા આ શખ્સે નીરવ પટેલ ગ્લોબલ ઓવરસીઝ લક્ષ્મીપ્લાઝા રાજકોટનું એડ્રેસ આપ્યું હતું.

ત્યારબાદ સત્યેન્દ્રભાઈએ થોડા દિવસ બાદ નોકરી અંગે પુછતા આ શખ્સે તમારે કેનેડાની હોટેલમાં ફુડ પેકીંગમાં નોકરી થઈ ગઈ છે અને દર મહિને ભારતીય ચલણ પ્રમાણે રૃ.૧,૯૦,૦૦૦ મળશે તથા તમને હોટેલ, વિઝા તથા એર ટિકીટના જે ખર્ચ થશે તે દર મહિને રૃ.૫૦,૦૦૦ લેખે દર મહિને કાપી નાંખવામાં આવશે, એમ કહ્યું હતું.બાદમાં આ શખ્સે બેન્કમાં ખાતુ ખોલાવવા જણાવતા સત્યેન્દ્ર શર્માએ ચાંદખેડામાં એક્સીસ બેન્કમાં ખાતુ ખોલાવ્યું હતું. આ શખ્સે ફંડ એપ્વલ આવી ગયું હોવાનું કહીને સત્યેન્દ્ર શર્મા પાસે બેન્ક એકાઉન્ટમાંમાં પોતાનો નંબર રજીસ્ટર કરાવડાવ્યો હતો અને એકાઉન્ટની માહિતી મેળવી લીધી હતી. ત્યારબાદ શર્માના એકાઉન્ટમાંથી રૃ.૧,૨૦,૦૦૫ કપાઈ ગયા હતા.જેને પગલે તેમણે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.