તેલંગાણામાં ટેકરી ઉપર 1200 કરોડનું મંદિર
April 02, 2022

- સયદાદ્રિ મંદિર એટલે દ્રાવિડિયન-કાકાતિયન બાંધકામ શૈલીનું સંયોજન
- ચાર એકર જમીનમાં પ્રાચીન કાળની જેમ પથ્થરોને ચૂના વડે જોડીને મંદિર તૈયાર કરાયું
- ટેકરી પર જ ધર્મશાળા, ભોજન- શાળા, શોપિંગ કોમ્પલેક્સ, હોસ્પિટલ અને કોટેજ બન્યા
આમ તો ભારતની ગણના એક સેક્યુલર દેશ તરીકે રહી છે. પરંતુ આમ છતાં અહીં રાજકીયપક્ષો અને સરકારો ધર્મ સાથેની બાબતોમાં સતત હસ્તક્ષેપ કરતી રહી છે અથવા તો સંકળાયેલી રહે છે. પ્રાચીન કાળના રાજા- મહારાજાઓ જે રીતે વૈદિક ધર્મનાં ભવ્ય મંદિરો સરકારી ખર્ચે બનાવતા હતા, તેવી જ રીતે તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે હાલમાં રાજ્યની તિજોરીમાંથી ૧,૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને હૈદરાબાદથી ૪૦ ક્લિોમીટર દૂર આવેલાં પ્રાચીન યદાદ્રિ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે. તેલંગાણામાં આ મંદિરનું ધાર્મિક મહત્વ રહેલું છે. આંધ્રપ્રદેશ રાજ્યના ભાગલા થયા તે પછી આંધ્ર અને તેલંગાણા એમ બે રાજ્યો ભારતના નકશામાં અસ્તિત્વમાં આવ્યા છે.
આ ભાગલા સાથે જ વિશ્વપ્રસિદ્ધ તિરૂપતી બાલાજીનું મંદિર આંધ્ર પ્રદેશના હિસ્સામાં આવ્યુ. આ મંદિરે દર મહિને આવતા ભક્તોની સંખ્યા લાખોમાં છે અને મંદિરમાં આવતું દાન કરોડોમાં છે. વળી, આ મંદિર ભારતના ધનવાન મંદિરો પૈકીનું એક છે. મંદિર પાસે સોનુ, રોક્ડ રકમ, સ્થાવર અને જંગમ મિલકતો પણ છે. એટલે આંધ્રપ્રદેશમાંથી છુટા થયા બાદ તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે સંકલ્પ કર્યો હતો કે તેઓ તિરૂપતીની જેમ જ તેમના વિસ્તારમાં ભવ્ય મંદિર બનાવશે. હૈદરાબાદ નજીક યદાદ્રિગુટ્ટ નામની ટેકરી ઉપર સદીઓ જૂનું લક્ષ્મી નરસિંહ સ્વામીનું નાનકડુ ગુફામંદિર હતું. આ ટેકરીની આજુબાજુ આઠ બીજી ટેકરીઓ આવેલી છે. આંધ્ર પ્રદેશ રાજ્યનું વિભાજન થયું તે પછી તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે તેમના ગુરુના ઉપદેશ મુજબ ર૦૧૫ના મે મહિનામાં ભૂમિપૂજન કરીને ભવ્ય મંદિરના નિર્માણકાર્યનો આરંભ કરાવ્યો હતો.
કોવિડ-૧૯ના કાળમાં પણ મંદિરનું બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતુ. હવે તા.૨૮ માર્ચના શુભ દિવસે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરીને સંપૂર્ણ સંકુલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. યદાદ્રિ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવા માટે ચંદ્રશેખર રાવે યદાદ્રિ ટેમ્પલ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી હતી, જેના અધ્યક્ષ તેઓ પોતે બન્યા હતા. ૨૦૧૬ના દશેરાને દિવસે મંદિરનો પહેલો થાંભલો ઊભો કરવામાં આવ્યો હતો. મૂળ નરસિંહ સ્વામી મંદિર આશરે ૨૫,૦૦૦ ચોરસ ફીટ જમીન પર બંધાયેલું હતું. નવું મંદિર ચાર એકર જમીન પર બનાવાયું છે. આ મંદિરની આજુબાજુ ધર્મશાળા, ભોજનશાળા, શોપિંગ કોમ્પલેક્સ, હોસ્પિટલ વગેરે બનાવવા રાજ્ય સરકારે આશરે ૧,૯૦૦ એકર જેટલી જમીન સંપાદિત કરી હતી. યદાદ્રિ મંદિરની ડિઝાઇન નક્કી કરવા માટે મુખ્ય પ્રધાન ચંદ્રશેપ્પમર રાવે મુખ્ય શિલ્પી આનંદ સાઈ સાથે દેશનાં અનેક પ્રસિદ્ધ મંદિરોની મુલાકાત લીધી હતી. મંદિરના બાંધકામ માટે આંધ્ર પ્રદેશના ગંટુર જિલ્લાની ગુરુજાપલ્લી ખાણમાંથી નીકળતો કાળો ગ્રેનાઇટ પસંદ કરવામાં આવ્યો હતો.
મંદિરનાં બાંધકામમાં આશરે ૨.૫૦ લાખ મેટ્રિક ટન ગ્રેનાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરનાં બાંધકામ માટે એક પણ ઈંટ કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પ્રાચીન કાળમાં જે રીતે પથ્થરોને ચૂના વડે જોડીને મંદિરો બાંધવામાં આવતાં હતાં તે પદ્ધતિથી આ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે, જેનું આયુષ્ય ઓછામાં ઓછાં ૧૦૦ વર્ષનું હશે. આ મંદિર દ્રાવિડિયન અને કાકાતિયન બાંધકામ શૈલીનું સંયોજન કરીને બાંધવામાં આવ્યું છે. યદાદ્રિ મંદિરનું એક ગોપુરમ સાત માળ જેટલું ઊંચું છે તો બીજું ગોપુરમ પાંચ માળ જેટલું છે. મુખ્ય દરવાજાની ઊંચાઇ ૩૬ ફીટ છે. તેનાં શિખરો ઉપર જે કળશો અને ધ્વજાદંડ શોભી રહ્યા છે તેને સોના વડે મઢવામાં આવ્યા છે. યદાદ્રિ મંદિરના બાંધકામ માટે આશરે ૧૫૦૦ મજૂરોને કામે લગાડવામાં આવ્યા હતા, જેમાંના ૫૦૦ તો શિલ્પીઓ હતા. મંદિરનું ઉદઘાટન ર૦૧૯માં કરવાનું હતું, પણ તેમાં જરાક મોડું થયું હતું. ૨૦૨૦ના જાન્યુઆરીમાં મંદિરનું ૮૦ ટકા કામ પૂરું થઈ ગયું હતું. માર્ચ મહિનામાં કોરોનાને કારણે દેશભરમાં કટોકટી જાહેર કરાઈ હતી. ૬૦ ટકા મજૂરો કામ છોડીને જતા રહ્યા હતા, તો પણ એક દિવસ માટે પણ બાંધકામ બંધ રાખવામાં આવ્યું નથી.
મજૂરોને કામના સ્થળે પહોંચવા ખાસ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સ્પેશ્યલ પાસ પણ આપવામાં આવ્યા હતા. જે મજૂરો સ્થળ પર રહેવા તૈયાર હતા તેમની વ્યવસ્થા કરવામાં આવી હતી. એક આખી ટેકરી મંદિર માટે રોકવામાં આવી છે. બીજી બે ટેકરીઓ ધર્મશાળા વગેરેના બાંધકામ માટે લઈ લેવામાં આવી છે. યાત્રિકોને રહેવા માટે આશરે ૩૦૦ કોટેજો બનાવાઈ છે. દરેક કોટેજમાં ચાર ઓરડા છે. એક ઓરડાનું ભાડું ૧,૫૦૦ રૂપિયા રાખવામાં આવ્યું છે. પહાડની તળેટીમાં ૬,૦૦૦ કાર પાર્ક કરી શકાય તેવી સવલત ઊભી કરવામાં આવીછે. તળેટીથી પહાડની ટોચ ઉપર જવા મફત શટલ સેવા ચાલુ કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે લિફ્ટ તેમજ એસ્કેલેટરની સવલત પણ છે.
મુખ્ય મંદિરનું બાંધકામ ચાલુ હતું તે દરમિયાન નરસિંહ સ્વામીની મૂર્તિ કામયલાઉ મંદિરમાં રાખવામાં આવી હતી. જેને બાલાયમ કહેવાતું હતું. હવે આ બાલાયમનો ઉપયોગ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કરાશે. યદાદ્રિ મંદિર સંકુલનું કુલ બજેટ ૧,૮૦૦ કરોડ રૂપિયાનું હતું, પણ કોરોનાને કારણે બજેટ ઘટાડીને ૧,૨૦૦ કરોડ કરવામાં આવ્યું હતું. તે પૈકી ર૪૩ કરોડ રૂપિયાનો ખર્ચો તો મુખ્ય મંદિરના બાંધકામ માટે જ કરવામાં આવ્યો હતો, જે અયોધ્યામાં બંધાનારાં રામ મંદિર કરતાં પણ વધુ છે. આ મંદિરનાં બાંધકામ દ્વારા મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ તેલંગાણાના હિન્દુઓની લાગણી જીતવા માગે છે. મંદિરની આજુબાજુ સંકુલ ઊભું કરવા પાછળ અત્યાર સુધીમાં ૮૪ર કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે.
આ મંદિર ભુવનગિરિ જિલ્લામાં આવેલું છે. મંદિરનું બાંધકામ શરૂ થયું તે પછી ભુવનગિરિ જિલ્લામાં રિયલ એસ્ટેટના ભાવો વધીને ત્રણ ગણા થઈ ગયા છે. દક્ષિણ ભારતનાં મંદિરોમાં ભવ્ય ગોપુરમ ઉપરાંત યલ્લી નામના થાંભલાઓ પણ જોવા મળતા હોય છે. આ થાંભલાઓ 3પર એક વિચિત્ર પ્રાણીની આકૃતિ કંડારવામાં આવી હોય છે, જે હાથી, સિંહ અને ઘોડાના મિશ્રણ સમાન હોય છે. યદાદ્રિ મંદિરમાં ૧૦૦ કરતાં વધુ યલ્લી સ્થંભો લગાડવામાં આવ્યા છે. મંદિરના બાંધકામ માટે આશરે ત્રણ હજાર મેટ્રિક ટન ચૂનાનો ઉપયોગ કરાયો છે. આ ચૂનાને મજબૂત બનાવવા તેમાં ગોળ, કુંવારપાઠું વગેરેનું મિશ્રણ પણ કરાયું છે. મંદિરના બાંધકામ માટે જે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો તેની મજબૂતી ચકાસવા માટે નજીકમાં જ એક લેબોરેટરી પણ ઊભી કરવામાં આવી હતી. મંદિરનું બાંધકામ શરૂ થયું તે પહેલાં જૂના મંદિરના દર્શન કરવા રોજના પાંચ હજાર યાત્રિકો આવતાં હતાં. હવે નવું મંદિર તૈયાર થઈ જતાં યાત્રિકોની સંખ્યા ૩૦,૦૦૦ કરતાં વધવાની ધારણા છે. યદાદ્રિ મંદિરના ૫૬ ફીટ ઊંચાં ગોપુરમને સોનાથી મઢી લેવા માટે ૧૨૫ કિલોગ્રામ સોનાની જરૂર હતી. બિનનિવાસી ભારતીયો માટે ઓનલાઇન સોનાનું દાન કરવાની સગવડ પણ આપવામાં આવી હતી. મંદિર માટે સોનાનું દાન કરવા ભક્તોમાં હોડ જામી હતી. મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે પોતાના પરિવાર તરફથી એક કિલોગ્રામ સોનાનું દાન કર્યું હતું. પાર્થસારથિ રેડ્ડી નામના ઉદ્યોગપતિએ પાંચ ક્લિોગ્રામ સોનાનું દાન કર્યું હતું તો મજૂર પ્રધાન મલ્લા રેઠ્ઠીએ બે કિલોગ્રામ સોનાનું દાન કર્યું હતું. મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે કહ્યું હતું કે, જો દાનમાં સોનું ઓછું આવશે તો તેઓ રિઝર્વ બેન્ક પાસેથી સોનું ખરીદીને પણ ગોપુરમને સોનાથી મઢી દેશે. દક્ષિણ ભારતમાં પ્રાચીન કાળમાં વિજયનગરના રાજાઓ ભવ્ય મંદિરો બાંધવા માટે જાણીતા હતા. હમ્પી અને બદામીનાં મંદિરો તેની સાબિતી છે. હવે કે. ચંદ્રશેખર રાવ પણ આ રાજાઓ જેવી જ ખ્યાતિ મેળવવા માંગે છે.
Related Articles
સંતુરવાદન અને પંડિત શિવકુમાર એકમેકના પર્યાય
સંતુરવાદન અને પંડિત શિવકુમાર એકમેકના પર્...
May 21, 2022
યુરોપના દેશો સામે રશિયાનો આર્થિક ક્ષેત્રે મોરચો
યુરોપના દેશો સામે રશિયાનો આર્થિક ક્ષેત્ર...
May 07, 2022
સ્વભાવ-પ્રકૃતિ જાણી સારવારની નવીનતમ્ પધ્ધતિ
સ્વભાવ-પ્રકૃતિ જાણી સારવારની નવીનતમ્ પધ્...
Apr 30, 2022
Trending NEWS

06 July, 2022

06 July, 2022
.jpg)
06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

05 July, 2022

05 July, 2022

05 July, 2022