યુપી માટે કોંગ્રેસના 125 ઉમેદવાર જાહેર:ઉન્નાવ રેપ પીડિતાની માતા અને લખીમપુર ચીરહરણકાંડની પીડિતાને ઉમેદવાર બનાવાયાં, સલમાન ખુર્શીદનાં પત્નીને પણ ટિકિટ આપી

January 13, 2022

લખીમપુર : ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પહેલું લિસ્ટ જાહેર કરી દીધું છે. પ્રિયંકા ગાંધીએ જાહેર કરેલા પહેલા લિસ્ટમાં 125 ઉમેદવારનાં નામ જાહેર કર્યાં છે, એમાં 50 મહિલા ઉમેદવાર સામેલ છે. ચોંકાવનારું નામ ઉન્નાવ રેપ પીડિતાની માતાનું છે. પ્રિયંકાએ તેમને ઉન્નાવના ઉમેદવાર બનાવ્યાં છે, જ્યારે લખીમપુરમાં ચીરહરણકાંડની પીડિતા રિતુ સિંહને પણ મોહમ્મદી સીટથી ટિકિટ આપવામાં આવી છે. શાહજહાંપુર માનદેય મુદ્દે આંદોલન કરનાર આશાવર્કર પૂનમ પાંડેને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બીજી બાજુ, નોઈડાથી પંખુડી પાઠકને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે.

પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ઉમેદવારોમાં મહિલાઓની સાથે સાથે અમુક પત્રકારો અને સમાજસેવક પણ સામેલ છે. ઉન્નાવ રેપ પીડિતાની માતાને પણ કોંગ્રેસ ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે.

આ યાદીમાં મોટાં નામોની વાત કરીએ તો સલમાન ખુર્શીદનાં પત્ની લુઈસ ખુર્શીદને ટિકિટ મળી છે. સદફ જાફરને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઉન્નાવથી કોંગ્રેસ આશા સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પ્રિયંકાએ કહ્યું હતું કે પહેલાં તેમની દીકરી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું, ત્યાર પછી તેને એક્સિડન્ટમાં મારવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો. આ સિવાય NRC-CAA વિરુદ્ધ આંદોલન કરનાર સદફ જાફરને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

યુપીમાં કુલ 403 સીટ છે. અહીં સાત તબક્કામાં ચૂંટણી થવાની છે. આ તબક્કા અંતર્ગત 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે મતદાન થવાનું છે. પરિણામો 10 માર્ચે આવવાનાં છે.