ભારતમાં કોરોનાના 13 દર્દી સાજા થયા

March 17, 2020

નવી દિલ્હી : કોરોના વાઇરસના કેસો ભારતમાં વધી રહ્યા છે તો તેની સામે દર્દીઓની સારવાર કરવામાં પણ સફળતા મળી રહી છે. અત્યાર સુધીમાં 114 લોકોને આ વાઇરસનો ચેપ લાગી ચુક્યો હતો જેમાં 13 લોકોને વાઇરસ મુક્ત કરાયા છે. 

સરકારની વેબસાઇટ પરના આંકડા મુજબ સોમવારે સાંજ સુધી 114ને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો, જેમાં કેરળમાં જે 23 પોઝિટિવ કેસો સામે આવ્યા હતા તેમાં ત્રણને આ વાઇરસથી મુક્ત કરી દેવામા આવ્યા છે અને રજા આપી દેવાઇ છે. 

તેવી જ રીતે ઉત્તર પ્રદેશમાં 13 લોકોને કોરોના વાઇરસ લાગ્યો હતો તેમાં ચાર લોકોને સાજા કરીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. રાજસ્તાનમાં પણ ચાર લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો જ્યારે ત્રણને સાજા કરી લેવાયા હોવાથી રજા આપી દેવામાં આવી હતી. કેરળમાં પણ 23 પોઝિટિવ કેસો હતા તેમાં ત્રણને વાઇરસથી મુક્ત કરાયા છે. 

રાજધાની દિલ્હીમાં કોરોનાના સાત કેસો સામે આવ્યા તેમાં એકનું મોત થયું છે જ્યારે બેને સાજા કરી લેવાયા હતા તેથી હોસ્પિટલમાંથી જવા દેવામાં આવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં વધુ એક કેસ સામે આવ્યો છે જેથી કુલ ચાર લોકો આ વાઇરસની લપેટમાં આવ્યા હતા. કુલ 13 લોકોને સાજા કરીને રજા આપી દેવામાં આવી છે જ્યારે બેના મોત નિપજ્યા છે અને બાકીના દર્દીઓની સારવાર ચાલી રહી છે. સારવાર કરી રહેલા હોસ્પિટલના સ્ટાફ, ડોક્ટર, નર્સ વગેરેનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર વ્યક્ત કરી કામકાજને બિરદાવ્યું હતું.  
રાજસ્થાન સરકારે જણાવ્યુ હતું કે એન્ટી એચઆઈવી દવાથી કોરોનામાં ફાયદો જણાઈ રહ્યો છે. કોરોના અને એચઆઈવીના વાઈરસનું બંધારણ અમુક અંશે સરખું છે. માટે અહીંના તબીબોએ એચઆવીની દવાનો પ્રયોગ કોરોનાના 3 દરદી પર કર્યો હતો. એ પછી એ દરદી સાજા થયાનું નોંધાયુ છે. માટે સરકારે આશાવાદ વ્યક્ત કર્યો છે કે એચઆઈવીની આ દવા કદાચ કોરોના માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે એમ છે.