16 વર્ષના ભારતીય વન્ડરબોયે વિશ્વ ચેમ્પિયન કાર્લસનને ત્રણ મહિનામાં બીજી વખત હરાવ્યો

May 21, 2022

નવી દિલ્હી : 16 વર્ષના ભારતીય વન્ડરબોય અને ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનાનંદન રમેશ પ્રભુએ 2022માં વિશ્વ ચેમ્પિયન મેગનસ કાર્લસન પર બીજી વખત જીત મેળવીને ચેસ જગતમાં સનસનાટી મચાવી દીધી છે.

ચેઝબલ માસ્ટર્સ ટુર્નામેન્ટના પાંચમા રાઉન્ડમાં નોર્વેના કાલર્સને મોટી ભૂલ કરી હતી અને તેનો ફાયદો ઉઠાવીને પ્રજ્ઞાનાનંદે જીત મેળવી હતી. આ સાથે જ ઓનલાઈન રેપિડ ચેસ ટુર્નામેન્ટમાં પ્રજ્ઞાનાનંદના નોક આઉટ સ્ટેજમાં પહોંચવાની આશાઓ યથાવત છે.

 

ત્રીજા મહિનામાં બીજી વખત એવુ થયુ છે જ્યારે કાર્લસનને 16 વર્ષના ભારતીય કિશોરના હાથે હા ખમવી પડી હોય. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં પણ કાર્લસનને પ્રજ્ઞાનાનંદે હરાવ્યો હતો.

1.16 કરોડની ઈનામી રકમવાળી ટુર્નામેન્ટના પાંચમા રાઉન્ડની મેચ ડ્રો તરફ આગળ વધી રહી હતી પણ 40મી મૂવ દરમિયાન કાર્લસને મોટી ભૂલ કરી હતી. તેણે પોતાના કાળા ઘોડાને ખોટી જગ્યાએ મુકયો હતો અને એ પછી પ્રજ્ઞાનાનંદે કાર્લસનને મેચમાં પાછા ફરવાનો મોકો આપ્યો નહોતો.

ટુર્નામેન્ટના બીજા દિવસના અંતે ચીનના વી યી પહેલા નંબર પર અને કાર્લસન બીજા ક્રમે છે. આ ટુર્નામેન્ટમાં દુનિયાનો સૌથી નાનો ગ્રાન્ડ માસ્ટર અભિમન્યુ મિશ્રા પણ ભાગ લઈ રહ્યો છે.