બ્રાઝિલમાં એક દિવસમાં 1641 લોકોનાં મોત

March 03, 2021

વોશિંગ્ટન : વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 11.52 કરોડથી વધુ થયો છે. 9 કરોડ 10 લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધીમાં 25 લાખ 59 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.

બ્રાઝિલની હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા મંગળવારે રાતે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સોમવારે અને મંગળવારની વચ્ચે અહીં કુલ 1641 સંક્રમિતોનાં મોત થયાં છે. અહીં જુલાઈ 2020 પછી એક દિવસમાં સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સૌથી વધુ છે. 19 જુલાઈએ અહીં એક જ દિવસમાં 1595 લોકોનાં મોત થયાં હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ, વધતા સંક્રમણ અને મોતને કારણે દેશની હોસ્પિટલ સિસ્ટમ ખોરવાઈ ગઈ છે અને સરકારની સામે સૌથી મોટો પડકાર આ સ્થિતિને સંભાળવાની છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે મેં સુધીમાં દેશમાં એટલી વેક્સિન હશે કે દરેક વયસ્કને વેક્સિનેટ કરવામાં આવશે. બાઈડનનું આ નિવેદન એ રીતે મહત્ત્વનું છે કે થોડા દિવસો પહેલાં હેલ્થ મિનિસ્ટ્રીએ એના માટે ઓગસ્ટ સુધીનો સમય નક્કી કર્યો હતો. સીડીસીએ માન્યું હતું કે ઓગસ્ટ પહેલાં બધા વયસ્કોને વેક્સિનેટ કરવા મુશ્કેલ હશે. જોકે જોહન્સન એન્ડ જોહન્સનની સિંગલ શોટ વેક્સિનને મંજૂરી મળ્યા પછી હવે માનવામાં આવી રહ્યું છે કે વેક્સિન સપ્લાઈ ઝડપથી થઈ શકશે અને જૂન સુધી પર્યાપ્ત માત્રામાં એ ઉપલબ્ધ થશે.

ઓસ્ટ્રિયાના ચાન્સેલર સેબેસ્ટિયન કુર્જે સ્પષ્ટ કર્યું છે કે યુરોપિયન દેશોમાં વેક્સિનેશનની ગતિ ઘણી ધીમી છે અને એને કારણે જોખમ વધી રહ્યું છે. હવે આ સમસ્યાનો સામનો કરવા માટે ડેનમાર્ક અને ઓસ્ટ્રેલિયાએ ઈઝરાયેલની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. યુરોપમાં અત્યારસુધીમાં માત્ર 7.5 ટકા વસતિને વેક્સિનેટ કરી શકાય છે. ઈઝરાયેલમાં આ આંકડો 52 ટકા, જ્યારે બ્રિટનમાં એ 31 ટકા છે. આ જ કારણે યુરોપના કેટલાક દેશ ઈઝરાયેલનું મોડલ અપનાવવા પર ફોકસ કરી રહ્યા છે. ઈઝરાેયલ સરકારે પણ ભરોસો અપાવ્યો છે કે તે આ દેશોને શકય તેટલી તમામ મદદ કરશે.