અમદાવાદમાં કોરોનામાં વધુ 168 લોકો પટકાયા : સાત દર્દીનાં મૃત્યુ

July 07, 2020

- પશ્ચિમના વિસ્તારોમાં વધતો કોરોનાનો પ્રકોપ


- 3153 એકટિવ કેસમાંથી 1552 તો માત્ર પશ્ચિમમાં જ : જાહેર થતાં આંકડા સામે રાજકોટ-સુરતમાં ઉઠેલા સવાલો

અમદાવાદ- અમદાવાદમાં કોરોનાનું જોર ઘટતું જાય છે, છેલ્લા ત્રણેક દિવસથી 200થી અંદર નવા દર્દીઓની સંખ્યા અને મૃત્યુ એકી સંખ્યામાં થવા માંડયા છે. દરમ્યાનમાં આજે 24 કલાકમાં નવા 168 કેસ નોંધાયા છે, જ્યારે 7 દર્દીઓના સારવાર દરમ્યાન જુદી જુદી હોસ્પિટલોમાં મૃત્યુ થયા છે. બીજી તરફ કોરોનાને મ્હાત આપીને સાજા થયેલા 235 લોકોને જુદી જુદી હોસ્પિટલો કે હોમ-આઈસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.

દરમ્યાનમાં જીલ્લાના વિસ્તાર સહીત અત્યાર સુધીમાં કુલ દર્દીઓની સંખ્યા 21867ની થઈ ગઈ છે, તેમજ કુલ મૃત્યુઆંક 3591ના આંકડાને આંબી ગયો છે. હાલ જે કેસો નવા નોંધાઈ રહ્યાં છે, તે વત્તાઓછા પ્રમાણમાં તમામ ઝોનમાં છે, પરંતુ પશ્ચિમ અને નવા પશ્ચિમઝોનમાં તો ભરડો લેવા માંડયો તેમ જણાય છે. બોડકદેવ, ગોતા, થલતેજ, ચાંદલોડિયા, ઘાટલોડિયામાં 30 અને દક્ષિણ પશ્ચિમના જોધપુર, વેજલપુર, મકતમપુરા, સરખેજમાં 24 કેસ ગઈકાલે નોંધાયા છે.

આમ બન્ને મળીને નવા પશ્ચિમમાં જ 54 લોકોના રિપોર્ટ પોઝીટિવ આવ્યા છે. જ્યારે પાલડી, વાસણા, નવરંગપુરા, નવાવાડજ, નારણપુરા, રાણીપ, સાબરમતિમાં 33 દર્દી બહાર આવ્યા છે. આમ કુલ 162માંથી 87 કેસ તો પશ્ચિમમાં જ છે. મધ્યઝોનમાં 4, ઉત્તરઝોનમાં 21, પૂર્વઝોનમાં 22 અને દક્ષિણઝોનમાં 28 કોરોનાના દર્દીઓ છે. કુલ 3153 એકટિવ કેસો છે, તેમાંથી પશ્ચિમના જ 1552 છે. 8 મૃત્યુમાં 5 પશ્ચિમના પટ્ટાના છે.