દ.ગુજરાતમાં કેટરીંગ સાથે જોડાયેલા અન્ય બિઝનેસ મળીને 1900 કરોડનું નુકસાન

June 28, 2020

સુરત- કોરોના સંક્રમણને રોકવા જાહેર કરવામાં આવેલા લોકડાઉનને કારણે મંડપ સર્વિસ, કેટરિંગ, લાઇટિંગ, સાઉન્ડ, બેન્ડ વગેરે વ્યવસાયીઓની સિઝન નિષ્ફળ ગઇ છે. ત્યારે દક્ષિણ ગુજરાતના કેટરીંગ બિઝનેસની સાથે લાગતા બિઝનેસને લગભગ 1900 કરોડનું નુકસાન થયું છે . સાથે જ 5 લાખ જેટલા લોકો બેરોજગાર બની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.


લોકડાઉનને કારણે આજ સુધીમાં હજારો લગ્નો રદ્દ થયા છે. લગ્નમાં એક સાથે જોડાયેલા અનેક વ્યવસાય જેવા કે હોલ અથવા પાર્ટી પ્લોટ, મંડપ ડેકોરેશન, ઇવેન્ટ મેનેજર, બગી, બેન્ડ વાજા, ડીજે, કેટરર્સ વગેરે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકડાઉનની શરૂઆતથી લઇને અત્યાર સુધી લોકડાઉન રહેવાને કારણે લગ્નોની સીઝનનો અંત આવી ગયો છે. છેલ્લા ત્રણ મહિનાની વાત કરવામાં આવે તો સુરતમાં આ વ્યવસાયોને મળીને કુલ 1900 કરોડનું નુકશાન થવા પામ્યું છે . એટલું જ નહીં પરંતુ આ દરેક વ્યવસાય સાથે મળીને લગભગ 5 લાખ લોકો બેરોજગાર થયા છે.

લગ્નનું અભિન્ન અંગ જેને કહી શકાય એ વ્યવસાય એટલે કેટરિંગનો વ્યવસાય કેટરિંગના વ્યવસાયમાં આ વખતે ખાસ કરીને વૈશાખ મહિનાની સીઝન લોકડાઉનમાં મોટા નુકશાનમાં છે. કેટલાક લોકો દ્વારા તો લગ્ન પાછળ ઠેલી દેવાયા જ્યારે કેટલાક લોકો દ્વારા લગ્ન એકદમ સાદાઇથી પતાવી દેવામાં આવ્યા છે. આ વખતે લગ્ન સીઝન ફેઇલ થવાને કારણે વિવિધ કેટરિંગ અને મંડપના વ્યવસાય સાથે સંગઠનો તરફથી સરકારની પત્ર લખવામાં આવ્યા છે.