લૉકડાઉન દરમિયાન 198 મજૂરો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા

June 03, 2020

નવી દિલ્હી : લૉકડાઉન દરમિયાન માર્ગ અકસ્માતમાં ૧૯૮ મજૂરોના મોત થયા હતા. એ સમયગાળામાં દેશમાં ૭૫૦ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ખોયો હતો. ૨૫મી માર્ચથી ૩૧મી મે સુધીમાં દેશમાં ૧૪૬૧ અકસ્માતો થયા હતા. રોડ સેફ્ટી માટે કાર્યરત સેવલાઈફ ફાઉન્ડેશનના અહેવાલમાં આ દાવો થયો હતો.

૨૫મી માર્ચથી ૩૧મી મે દરમિયાન દેશમાં કુલ ૧૪૬૧ માર્ગ અકસ્માતો થયા હતા અને એમાં કુલ ૭૫૦નાં મોત થયા હતા. મૃતકોમાં ૧૯૮ મજૂરો હતા. ઘરે જવા નીકળેલા ૧૯૮ મજૂરોએ રસ્તામાં જ વાહનની હડફેટે ચડીને જીવ ખોયો હતો. ૧૩૯૦ને ગંભીર ઈજા થઈ હતી.જોકે, સરેરાશ માર્ગ અકસ્માતો અને મૃત્યુ આંકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં ૨૪૫નાં મોત થયા હતા. તે પછી તેલંગણામાં ૫૬નાં મૃત્યુ થયા હતા. મધ્યપ્રદેશમાં પણ ૫૬નાં મોત થયા હતા. બિહારમાં ૪૩ અને પંજાબમાં ૩૮નાં મોત થયા હતા. મહારાષ્ટ્રમાં ૨૬નાં મોત માર્ગ અકસ્માતમાં  થયા હતા.

માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મજૂરોના મોત ઉત્તર પ્રદેશમાં થયા હતા. ઉત્તર પ્રદેશના રસ્તાઓમાં ૯૪ મજૂરો પર કાળ ત્રાટક્યો હતો. ૩૮ મજૂરોનાં મોત મધ્યપ્રદેશમાં થયા હતા. ૧૬ મજૂરોના મોત બિહારમાં, તેલંગણામાં ૧૧ અને મહારાષ્ટ્રમાં ૯ મજૂરોએ રોડ અકસ્માતમાં દમ તોડયો હતો.

અહેવાલ મીડિયા રીપોર્ટ્સ અને વિવિધ સોર્સના આધારે તૈયાર થયો હતો. લોકડાઉન-ચારનો સમયગાળો સૌથી વધુ ખતરનાક સાબિત થયો હતો. ૩૨૨ લોકો લોકડાઉન-ચારમાં માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા.