અફઘાનિસ્તાનમાંથી 2000 વર્ષ જૂનો સોનાનો ખજાનો ગાયબ, શોધી રહ્યા છે તાલિબાનો

September 18, 2021

જલાલાબાદ-તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો તો કરી લીધો છે પરંતુ હવે દેશ ચલાવવો તેમના માટે સરળ નથી. અફઘાનિસ્તાનની આર્થિક હાલત અત્યારે ખુબ જ ખરાબ છે. એવામાં 2000 વર્ષ પહેલાના ખજાનાને લઈને ચર્ચા શરૂ થઈ છે, જેને તાલિબાન શોધી રહ્યું છે. તે પ્રાચીન બેક્ટ્રિયન ખજાનો છે, જેમા સોનાની ચીજો છે. 4 દાયકા પહેલા આ ખજાનાની શોધ અફઘાનિસ્તાનના ટેલા ટાપા રીઝનમાં થઈ હતી.
કલ્ચરલ કમિશનના ડિપ્ટી હેડ અહમદુલ્લાહ વાસિકે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આ ખજાનાની શોધ માટે સંબંધિત વિભાગને ટાસ્ક આપવામાં આવ્યો છે. તે તપાસનો વિષય છે કે આ ખજાનો હાલમાં અફઘાનિસ્તાનમાં છે કે પછી તેને બહાર મોકલી દેવામાં આવ્યો છે.


નેશનલ જિયોગ્રાફિકના જણાવ્યા પ્રમાણે, બેક્ટ્રિયન ખજાનામાં પ્રાચીન વિશ્વભરના હજારો સોનાના ટૂકડા હોય છે અને તે પહેલી સદી ઈસા પૂર્વથી પહેલી સદી ઈસવી સુધી 6 કબરોની અંદર જોવા મળ્યો હતો. આ કબરોમાં 20,000થી વધુ વસ્તુઓ હતી. જેમા સોનાની અંગૂઠી,સિક્કા, હથિયાર,ઝુમકા,બંગડી, હાર અને મુકુટ સામેલ હતા.


સોના ઉપરાંત તેમનામાના કેટલાકને ફિરોજા,કારેલિયન અને લેપિસ જેવા કિંમતી પથ્થરોથી તૈયાર કરવામાં આવ્યા હતા. નિષ્ણાતોનું માનવુ છે આ કબરો એશિયાઈ વિચરતા લોકોની હતી. આ ખજાનાને ફેબ્રુઆરી 2021માં રાષ્ટ્રપતિ ભવન ખાતે લોકોને જોવા માટે રાખવામાં આવ્યો હતો. જો કે હાલમાં આ ખજાના અંગે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.