ઇઝરાયેલના હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં ૨૧૩ પેલેસ્ટિનિયનોનાં મોત

May 19, 2021

ગાઝા સિટીઃ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો જંગ બીજા અઠવાડીયામાં ચરમસીમાએ પહોંચ્યો હતો. ગાઝા પટ્ટીમાંથી હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા રોકેટ હુમલામાં ઈઝરાયેલમાં પેકેજિંગ પ્લાન્ટમાં કામ કરતા બે થાઈ મજૂરોનાં મોત થયા હતા. ૭ લોકોને ઈજા થઈ હતી. આ હુમલાના થોડા સમય પહેલા ઈઝરાયેલે કરેલા હવાઈ હુમલામાં પેલેસ્ટાઈનમાં એક ૬ માળની ઈમારત ધ્વસ્ત થઈ ગઈ હતી. ૧૦ દિવસનાં જંગમાં પેલેસ્ટાઈનનાં ૨૧૩ નાગરિકોનાં મોત થયા હતા જેમાં ૬૧ બાળકો અને ૩૬ મહિલાઓ હતી. ૧૪૪૦ લોકો ઘવાયા હતા. પેલેસ્ટાઈનમાં જે ૬ માળની ઈમારત ફુંકી મારવામાં આવી હતી તેમાં બૂક સ્ટોર્સ અને શિક્ષણ સંસ્થાઓ કામ કરતી હતી. હમાસનાં રોકેટ હુમલામાં ૧૨થી વધુ  ઈઝરાયેલીનાં  મોત થયા હતા જેમાં ૫ વર્ષનો બાળક અને સૈનિક તેમજ થાઈ મજૂરોનો સમાવેશ થાય છે. પેલેસ્ટાઈનનાં ઉગ્રવાદીઓ દ્વારા ઈઝરાયેલનાં રહેણાંક વિસ્તારોમાં ૩૪૦૦થી વધુ રોકેટ દાગવામાં આવ્યા હતા. ૧૦ દિવસનાં જંગ પછી ગાઝામાં મેડિકલ સાધનો, દવાઓ, પેટ્રો પેદાશો અને પાણીની અછત સર્જાઈ છે. એક અહેવાલ એવા આવી રહ્યા છે કે બંને પક્ષો પર યુદ્ધવિરામ જાહેર કરવા દબાણ વધી રહ્યું છે તેથી  મંગળવારે બંને પક્ષો દ્વારા હુમલા જારી હતા પણ તેમાં સંયમ દાખવવામાં આવ્યો હતો. ગાઝામાં કોઈ મોટી જાનહાનિ કરાઈ ન હતી. <p>ઈઝરાયેલનાં લશ્કરી પ્રવક્તાએ કહ્યું હતું કે સંભવતઃ સિરિયાથી છોડવામાં આવેલા માનવ રહિત વિમાન એટલે કે ડ્રોનને ઈઝરાયેલની બોર્ડર પર તોડી પાડવામાં આવ્યું હતું. પેલેસ્ટાઈનનાં ઉગ્રવાદીઓએ ૯૦ રોકેટ છોડયા હતા જેમાંથી ૨૦ ગાઝામાં જ પડયા હતા. ૯૦ ટકા રોકેટને હવામાં જ આંતરવામાં આવ્યા હતા.