ભારત-અમેરિકા વચ્ચે 2+2 મીટિંગ, ખાલીસ્તાની પન્નૂ, કેનેડા, ચીન અને ઈઝરાયલ યુદ્ધ મુદ્દે થઈ વાતચીત

November 10, 2023

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને રક્ષા મંત્રી ઑસ્ટિન લૉયડ હાલ ભારતમાં

નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે ટૂ પ્લસ ટૂ વાતચીત

દિલ્હી- અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને રક્ષા મંત્રી ઑસ્ટિન લૉયડ હાલ ભારતમાં છે. અમેરિકાના બંને હાઈ પ્રોફાઈલ નેતાઓએ શુક્રવારે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે ટૂ પ્લસ ટૂ વાતચીત કરી. આ દરમિયાન કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જેમાં ભારત અને કેનેડા વિવાદ પણ સામેલ છે.


આ બેઠક બાદ ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે, આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. પરંતુ જ્યાં સુધી કેનેડાનો સવાલ છે. અમે અમારા તમામ મિત્રો અને સાથીદારોએ આના પર ચર્ચા કરી છે અને આના પર અમારું વલણ સ્પષ્ટ છે, જેને અમે અનેક વખત વિસ્તારથી જણાવ્યું છે. સુરક્ષાને લઈને અમારી પોતાની ચિંતા છે અને મને વિશ્વાસ છે કે, તમે સૌએ ગુરપતવંત સિંહ પન્નૂનો એ વીડિયો જોયો હશે, જેમાં તેમણે ધમકી આપી છે કે, 19 નવેમ્બરે એર ઈન્ડિયાના વિમાનથી ટ્રાવેલ ન કરો, નહીં તો જીવને ખતરો હશે. ક્વાત્રાએ કહ્યું કે, તેનાથી અમને અમારી સુરક્ષા સંબંધી ચિંતાઓ વધી છે. પરંતુ અમે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.


વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે, ચીનની આચારસંહિતા અંગે બંને પક્ષો વચ્ચે પ્રાદેશિક પરિપ્રેક્ષ્યમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ચીનને લઈને બંને દેશો વચ્ચે વાતચીત થઈ.


વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે, ભારત અને અમેરિકા રક્ષા ઉત્પાદન, મહત્વના ખનિજો અને ઉચ્ચ ટેક્નોલોજી ક્ષેત્રમાં સહયોગ વધારીને પોતાની વૈશ્વિક રણનીતિક ભાગીદારીનો વિસ્તાર કરવા માટે શુક્રવારે વ્યાપક ચર્ચા કરી, જેમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધના કારણે પેદા થઈ રહેલી સ્થિતિ અને હિન્દ-પ્રશાંતમાં ચીનના સૈન્ય શક્તિ પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.