MLA લલિત કગથરા પરિવારના 70 લોકોમાંથી 22 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

August 01, 2020

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસનો પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં આજે નવા 37 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 5 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા છે.


મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિત કગથરાના પુત્ર અને પૂત્રવધૂનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તો બંને ઘરે જ સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં કગથરા પરિવારના 70 લોકોમાંથી 22 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે લલિત કથગરાના પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં છેલ્લા 7 દિવસમાં કોરોનાથી 68 લોકોના મોત થયા છે. જ્યારે કુલ પોઝિટિવ કેસનો આંકડો 1900ને પાર પહોંચી ગયો છે. આ સાથે જ અમરેલીમાં 11, જામનગરમાં 20, ગોંડલમાં 5 અને ઉપલેટામાં 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટની કેન્સર હોસ્પિટલમાં એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 16 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ત્યાં રાજકોટમાં અનલોક 3 અગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામાં અંગે પોલીસ કમિશનરને નિવેદન આપતા કહ્યું કે, આજથી રાત્રી કર્ફ્યુ નહીં રહે, રાત્રી દરમિયાન દુકાનો ખુલ્લી રહી શકશે પરંતુ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનો દસ વાગ્યા સુધી જ ખુલી રાખી શકાશે. અને બાઈકમાં બે વ્યક્તિ મુસાફરી કરી શકશે તથા નાની કારમાં ડ્રાઈવર સિવાય બે વ્યક્તિ મુસાફરી કરી શકશે. મોટી ફોરવીલમાં ડ્રાઇવર ત્રણ વ્યક્તિ મુસાફરી કરી શકશે. લગ્ન પ્રસંગની વાત કરીએ તો તેમાં માત્ર 50 વ્યક્તિ ભેગી થઈ શકશે. આ દરમિયાન સ્પોર્ટસ એક્ટિવિટી નહીં કરી શકાય. માસ્ક ન પહેરનારા વિરુદ્ધ કાર્યવાહી થશે અને પોલીસ સિવિલ ડ્રેસમાં પણ ચેકિંગ કરશે.