સુકમામાં 600 જવાનો પર 250 માઓવાદી ત્રાટક્યા, 17 જવાન શહીદ

March 23, 2020

સુકમા,  : છત્તીસગઢના સુકામામાં માઓવાદીઓ સાથે થયેલા એન્કાઉન્ટરમાં સીઆરપીએફના 17 જવાનો શહીદ થઇ ગયા છે. આ જવાનો ઘણા સમયથી ગુમ હતા, આ સિૃથતિ વચ્ચે એક તપાસ ટીમ નિમવામાં આવી હતી, આ તપાસ ટીમને ગુમ 17 જવાનોના મૃતદેહો મળી આવ્યા છે. બધા જ મૃતદેહોને આ વિસ્તારમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે.

છત્તીસગઢનો સુકમા જિલ્લો માઓવાદીઓનો ગઢ માનવામાં આવે છે, આ પહેલા પણ અહીં થયેલા મોટા હુમલામાં અનેક લોકો જીવ ગુમાવી ચુક્યા છે. આ વિસ્તારમાં માઓવાદીઓના ખાતમા માટે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને કમાન્ડો બટેલીયન ફોર રિઝોલ્યૂટ એક્શન (કોબ્રા)ના આશરે 600 જવાનોએ માઓવાદીઓની સામે ઓપરેશન શરૂ કર્યું હતું, જોકે આ ટીમમાંથી 17 જવાનો ગૂમ થઇ ગયા હતા. 

જ્યારે જવાનો આ વિસ્તારમાં માઓવાદીઓની તપાસ કરી રહ્યા હતા ત્યારે જ હિથયારો સાથે આશરે 250 માઓવાદીઓ ત્રાટક્યા હતા, જે દરમિયાન માઓવાદીઓ અને જવાનો વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો, જેમાં આ ગોળીબાર સમયે 15 જવાનો ઘાયલ થયા હતા જ્યારે 17 ગુમ થઇ ગયા હતા. માઓવાદીઓ અને જવાનો વચ્ચે સામસામે ત્રણ કલાક સુધી ગોળીબાર ચાલ્યો હતો. 

બસ્તર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સુદંરરાજે મીડિયાને આ ઓપરેશન અને જવાનોના મૃતદેહ મળી આવ્યા તેની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે પેટ્રોલિંગ માટેની ટુકડી અહીંના મિનપા ગામ પાસે આવેલા જંગલોમાં પહોંચી હતી ત્યારે જ માઓવાદીઓ તેમના પર તુટી પડયા હતા.

બાદમાં સામસામે ચાલેલા ગોળીબાર બાદ 17 જવાનો ગુમ હતા તેમના મૃતદેહ આ વિસ્તારમાં જંગલમાંથી મળી આવ્યા હતા. જ્યારે જે લોકો ઘવાયા છે તેમને એરલિફ્ટ કરીને રાયપુરમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ દરમિયાન જવાનોના 16 ઓટોમેટિક હિથયારો કે જેમાં એકે47, અન્ડર બેરેલ ગ્રેનેડ લોન્ચર ગુમ હતા. જોકે સામે કેટલા માઓવાદીઓ માર્યા ગયા છે તેની કોઇ જાણકારી આપવામાં નથી આવી.