2024 સુધી બનશે 26 ગ્રીન એક્સપ્રેસ-વે:ગડકરી

August 05, 2022

નવી દિલ્હી :2024 પૂર્ણ થશે તે પહેલાં દેશમાં 26 ગ્રીન એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવશે. જેના પર 125-130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી સફર પૂરી થશે. સડક તેમજ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં આ વાત કરી. તેમને દાવો કર્યો કે 2024 ખતમ થશે તે પહેલાં દેશના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકાની ટક્કરનું હશે.


નીતિન ગડકરીએ કહ્યું, 'હાલ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત છે. હું ગૃહમાં ઓન રેકોર્ડ તે વાત કરી રહ્યો છું કે હું દર વર્ષે 5 લાખ કરોડ રૂપિયાની સડક બનાવી શકું છું. અમારી પાસે પૈસાની ઉણપ નથી. સંસદમાં કોઈ પણ પાર્ટીના સંસદને પૂછો, જેને પણ મારી પાસે સડક બનાવવા માટે પૈસા માગ્યા છે, મેં તેમના પૈસા સેંક્શન કર્યા છે. મેં કોઈ પાર્ટીના સાંસદને ઈનકાર નથી કર્યો.'

તેમને કહ્યું, 'NHAIને AAA રેટિંગ મળ્યું છે. હાલમાં જ બે બેંકના ચેરમેન મારી પાસે આવ્યા અને તે બંનેએ મને 25-25 હજાર કરોડ રૂપિયા લોન આપવાનો પ્રસ્તાવ રાખ્યો. મને ફક્ત 6.45%ના વ્યાજદરે આ પૈસા મળ્યા છે. તેથી NHAIની પાસે સડક બનાવવા માટે ઘણાં જ પૈસા છે.'