સમગ્ર વિશ્વમાં 27 કરોડ લોકો ભૂખમરાની કગાર ઉપર : સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી

May 20, 2022

સંયુક્ત રાષ્ટ્ર મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે બુધવારે કહ્યું હતું કે વિશ્વભરમાં ભૂખમરાની સ્થિતિ એક નવી ઊંચાઈ પર પહોંચી ચૂકી છે. તેમણે વિશ્વને ભૂખમરા સામે લડાઈ માટે આહ્વાન કર્યું હતું. ન્યૂયોર્ક ખાતે અમેરિકી વિદેશપ્રધાન એન્ટની બ્લિંકનની અધ્યક્ષતામાં યોજાયેલા ગ્લોબલ સિક્યુરિટી કોલ ટુ એક્શન દરમિયાન તેમણે આ અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારતે તાજેતરમાં ઘઉંની નિકાસ પ્રતિબંધિત કરી દીધી છે.

સંયુક્ત રાષ્ટ્ર વડાએ કહ્યું કે ગંભીર રીતે ખાદ્ય અસુરક્ષિત લોકોની સંખ્યા માત્ર બે વર્ષમાં બમણી થઈ ગઈ છે. જે આંકડો પહેલાં 13.5 કરોડ હતો તે તે આજે 27.6 કરોડ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે 2016 પછી તેમાં 500 ટકા જેટલો વધારો નોંધાયો છે.

તેમણે એમ પણ કહ્યું કે કોવિડને કારણે આર્થિક ફટકો પડતાં લોકોની આવક ઘટી ગઈ છે. સપ્લાય ચેઇન તૂટતાં પણ ખાદ્ય અસુરક્ષામાં વધારો થયો છે. તેને કારણે વિશ્વમાં અસમાન રીતે આર્થિક સ્થિતિ સુધરી છે. નાણાકીય બજારો સુધીની પહોંચ પ્રતિબંધિત થઈ ચૂકી છે અને કેટલાક વિકાસશીલ દેશો દેવાની ચુકવણીમાં ડિફોલ્ટર જાહેર થવાની કગાર પર છે.

અમેરિકી બ્લિંકનના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી. વિવિધ દેશોના વિદેશ મંત્રી પણ ઉપસ્થિત હતા. અમેરિકી વિદેશ મંત્રીએ આ વૈશ્વિક સંકટનો સામનો કરવા 21.5 કરોડ ડોલરની માનવીય સહાય કરવાની જાહેરાત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે અમેરિકી કોંગ્રેસ માનવીય સહાય માટે 5.5 અબજ ડોલરની વધારાની સહાય પણ મંજૂર કરશે.