૨૭૦ ડોક્ટરોએ કોરોનાની બીજી લહેરમાં જીવ ગુમાવ્યો

May 19, 2021

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરમાં દેશમાં ૨૭૦ ડોક્ટરોએ જીવ ગુમાવ્યો છે તેમ ઈન્ડિયન મેડિકલ એસોસીએશન (IMA)એ જણાવ્યું હતું. જે ડોક્ટરોએ જીવ ગુમાવ્યો છે તેમાં IMAના પૂર્વ પ્રેસિડેન્ટ ડો. કે.કે. અગ્રવાલનો સમાવેશ થાય છે. કોરોનાનું સંક્રમણ થયા પછી સોમવારે તેમનું નિધન થયું હતું. તેમણે વેક્સિનના બંને ડોઝ લીધા હતા. આમ છતાં કોરોના સામે તેઓ હારી ગયા હતા. IMAના જણાવ્યા મુજબ કોરોનાની પહેલી લહેરમાં ૭૪૮ ડોક્ટરોનાં મોત થયાં હતાં. IMAના પ્રેસિડેન્ટ ડો. જે.એ. જયલાલે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર ડોક્ટરો અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે જીવલેણ પુરવાર થઈ હતી. કોરોનાની બીજી લહેરમાં બિહારમાં સૌથી વધુ ૭૮ ડોક્ટરોનાં મોત થયાં હતાં. આ પછી ઉત્તરપ્રદેશમાં ૩૭, દિલ્હીમાં ૨૯ અને આંધ્રપ્રદેશમાં ૨૨ ડોક્ટરોએ કોરોનાગ્રસ્તોની સારવાર કરતા કરતા જીવ ગુમાવ્યો હતો. કોરોનાની દર્દીઓની સારવાર કરતી વખતે તેમને પણ સંક્રમણ થયું હતું.
પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પૂર્વ પ્રેસિડેન્ટ ડો. કે.કે. અગ્રવાલનું સોમવારે કોરાનાને કારણે નિધન થયું હતું. ૬૨ વર્ષનાં ડો. અગ્રવાલ છેલ્લા કેટલાક દિવસથી AIIMSમાં સારવાર લઈ રહ્યા હતા. તેઓ છેલ્લા એક અઠવાડિયાથી વેન્ટિલેટર સપોર્ટ પર હતા. તેઓ કોરોનાગ્રસ્ત થયા ત્યાં સુધી ફરજ બજાવતા હતા.