ઉત્તર ચીનમાં ભારે વરસાદને કારણે પૂરમાં 29 લોકોનાં મોત

October 13, 2021

બિજિંગઃ ચીનના શાનક્શી પ્રાંતમાં ભારે વરસાદને કારણે જાનમાલને ઘણું નુકસાન થયું છે. આ વિસ્તારમાં 15 લોકોના મોત અને ત્રણ લોકોના ગુમ થયાના અહેવાલ છે. દરમિયાન, અન્ય એક ઘટનામાં, પિંગશાનમાં નદીમાં એક બસ પડી જતાં 14 લોકોના મોત થયા છે. સ્થાનિક સરકારે મંગળવારે જણાવ્યું હતું કે 2 થી 7 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદને કારણે પ્રાંતને ભારે પૂરનો સામનો કરવો પડ્યો હતો. સતત વરસાદથી સમગ્ર પ્રાંતમાં 76 કાઉન્ટીઓમાં લગભગ 17.6 લાખ રહેવાસીઓને અસર થઈ છે. 1,20,000થી વધુ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. લગભગ 238,460 હેક્ટર વિસ્તારમાં ઉભા પાકને નુકસાન થયું. 37,700 મકાનો ધરાશાયી થયા અથવા ખરાબ રીતે નુકસાન થયું છે. વરસાદ અને પૂરને કારણે 78 કરોડ ડોલરનું ભારે આર્થિક નુકસાન થયું છે. ચીનના સરકારી મીડિયા અનુસાર, પૂરને કારણે 17 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. લગભગ 19,500 મકાનો ધરાશાયી થયા છે, જેના કારણે 120,000થી વધુ લોકો બેઘર થયા છે. જો કે, ચીનના રાજ્ય મીડિયાએ તેના અહેવાલમાં સ્પષ્ટ કર્યું નથી કે બેઇજિંગની પશ્ચિમમાં શાનક્શી પ્રાંતનો કયો વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે. શાંક્સી નાનો વિસ્તાર નથી, પરંતુ લગભગ 156,000 ચોરસ કિમીના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે.