મહેસાણામાં 3,530 કોરોના મૃતકો, 592નાં વળતર નામંજૂર

January 28, 2022

- જિલ્લામાં 2,703 કોરોના મૃતકોના પરિવારોને રૂ.13.51 કરોડ ચુકવાયા
- સરકારી ગ્રાન્ટના અભાવે 38 મૃતકોનાં વળતર હજુ વિલંબિત
મહેસાણા- કોરોના વાયરસના સંક્રમણથી મોતને ભેટનાર 3,550 વ્યક્તિનાં પરિવારજનોએ રૂ.50,000 વળતર માટે ફોર્મ ભરી જિલ્લા કલેક્ટર કચેરીમાં પરત કર્યાં હતાં. જે પૈકી 592નાં ફોર્મ સાધનિક પુરાવાના અભાવે નામંજૂર કરવામાં આવ્યાં છે. વળતર માટે મંજૂર અરજીઓ પૈકી 2,703 કિસ્સાઓમાં પરિવારજનોને રૂ.13,51,5૦,૦૦૦નાં ચુકવણાં કરવામાં આવ્યાં છે. જ્યારે, 38 મૃતકોનાં પરિવારોને આગામી દિવસોમાં રૂ.5૦,૦૦૦ લેખે વળતર ચુકવવામાં આવશે. ચુકવાયેલાં વળતર અને મંજૂર કરાયેલી અરજીઓએ સાબિત કર્યું છે કે, મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણથી ઓછામાં ઓછાં 2741 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. જો કે, મૃતકોની સંખ્યા 3530 હોવાનો દાવો કરાઈ રહ્યો છે.


પ્રાપ્ત થતા સત્તાવાર અહેવાલ અનુસાર જિલ્લામાં કોરોનાથી સૌથી વધુ મૃતકોની સંખ્યા મહેસાણા શહેર અને ગ્રામીણ વિસ્તારની છે. મહેસાણા શહેરમાં વળતર માટે મંજૂર થયેલા કેસની સંખ્યા 486 અને ગ્રામ્યમાં 474ની છે. જ્યારે સૌથી ઓછા મૃતકોની સંખ્યા સતલાસણા તાલુકાની છે. વળતર માટે રજૂ થયેલી 94 અરજીઓમાંથી આ તાલુકામાં 43 નામંજૂર કરાઈ છે. માત્ર 50ને જ વળતર ચુકવાયું છે. જ્યારે જોટાણા તાલુકામાં 104 અરજીઓ પૈકી 89ને વળતરપાત્ર ઠરાવવામાં આવી છે. જે પૈકી 87 મૃતકોનાં પરિવારજનોને વળતર પણ ચુકવાઈ ગયાં છે. કલેક્ટર કચેરીને વળતર માટે પરત મળેલાં ફોર્મની ચકાસણી દરમ્યાન આરટીપીસીઆર એને રેપીડ એન્ટીજન ટેસ્ટના રિપોર્ટની એન્ટ્રીઓ સહિતનો અભાવ હોવાથી નામંજૂર કરાયાં હતાં.