ભારત જેવા સ્ટ્રેન ધરાવતા ૩૬ કેસ નોંધાતા ઓન્ટારિયોમાં વિદેશી વિદ્યાર્થીઓ પર રોક લાગશે

May 03, 2021

કેનેડાનો ઓન્ટારિયો પ્રાંત કોરોનાના ત્રીજા મોજાનો સામનો કરી રહ્યું છે. તેવામાં કેનેડાએ ભારત સહિતના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સામે ઓન્ટારિયો પ્રાંતમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવા મન બનાવી લીધું છે. ઓટાવા સ્થિત શિક્ષણ સેવા સંસ્થાન કેનેડિયન બ્યુરો ફોર ઇન્ટરનેશનલ એજ્યુકેશનના જણાવ્યા મુજબ કેનેડામાં વર્ષ ૨૦૨૦માં ૫,૩૦,૫૪૦ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી હતા. તેમાં ભારતના સૌથી વધુ ૩૪ ટકા વિદ્યાર્થી હતા. તે પછીના ક્રમે ચીનના ૨૨ ટકા વિદ્યાર્થી હતા. સંસ્થાને જણાવ્યા મુજબ કેનેડામાં ઓન્ટારિયો ખાતે સૌથી વધુ ૨,૪૨,૮૨૫ અર્થાત ૪૬ ટકા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી છે.


એક અહેવાલ મુજબ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકાર ઓન્ટારિયોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશને  રોકવા વિચારી રહી છે.
ઓન્ટારિયોમાં ભારતમાં જોવા મળેલા બી.૧.૬૧૭ પ્રકારના સ્ટ્રેન ધરાવતા ૩૬ કેસ સામે આવતાં પ્રાંતના વડા ફોર્ડે ફેડરલ સરકારને પ્રાંતમાં બિન જરૂરી પ્રવાસ સામે પ્રતિબંધ મુકવા અનુરોધ કર્યો હતો. ટ્રુડોએ પણ કોરોના સંક્રમણને ખાળવા પ્રાંતની સરકારો સાથે મળીને કામ કરવા પુનરોચ્ચાર કર્યો હતો. ટ્રુડોએ કહ્યું હતું કે કોરોના સંક્રમણનો સમનો કરી રહેલા ત્રીજા મોજાનો સામનો કરી રહેલા રાજ્યો સાથે સંક્રમણને રોકવાને મુદ્દે ચર્ચા વિચારણા ચાલી રહી છે.