પંજાબમાં ઝેરી દેશી દારૂ પીવાથી 38નાં મોત, અનેકને અંધાપો

August 01, 2020

અમૃતસર : કોરોનાની મહામારી વચ્ચે પંજાબમાં ઝેરીલો દારૂ પીવાથી 38 લોકોના કમાકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ લઠ્ઠાકાંડ અમૃતસર, બટાલા અને તરનતારન જિલ્લામાં જુદા જુદા ગામોમાં સામે આવ્યો છે. સમગ્ર ઘટના બહાર આવતા પંજાબ સરકાર, પોલીસ પ્રશાસન પણ દોડતા થઇ ગયા છે અને મુખ્ય પ્રધાન અમરિંદરસિંહ દ્વારા મેજિસ્ટેરિઅલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બુધવારે રાત્રીથી જ આ વિસ્તારોમાં મોતની ઘટનાઓ સામે આવવાનું શરૂ થઇ ગયું હતું. અનેક લોકોને હજુ પણ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.  

પંજાબના ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે સૌથી પહેલા પાંચ લોકોના મોત 29મી જુલાઇના રાત્રે અમૃતસરના તારસિક્કા વિસ્તારમાં સામે આવ્યા હતા. ગુરૂવારે સાંજે વધુ બે લોકોએ જીવ ગૂમાવ્યો હતો. જ્યારે અમૃતસરમાં ગુરૂ રામદાસ હોસ્પિટલમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ત્રણ જિલ્લાઓમાં જુદા જુદા ગામોમાં આ મોત નિપજ્યા છે. જાલંધરના ડિવિઝનલ કમિશનરને આ સમગ્ર મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં પંજાબ જોઇન્ટ એક્સાઇઝ અને ટેક્સેશન કમિશનર તેમજ એસપી પણ જોડાશે.  જે લોકોના મોત નિપજ્યા છે તેઓએ ઘરે જ બનતો દેશી દારૂ પીધો હતો, જોકે તે ઝેરીલો લઠ્ઠો હોવાથી આ જાનહાની સામે આવી હતી. અહીંના અમૃતસરના મુચ્છલ ગામમાં 30 લોકો ગેરકાયદે દારૂ બનાવીને વેચે છે. ઘણા વિસ્તારોમાં પરિવારે પોલીસને જાણ કર્યા વગર જ મૃતકોના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.