ઈઝરાયલમાં ભાગદોડ થતા ૩૮ લોકોનાં મોત થયા

May 01, 2021

જેરુસલેમઃ ઈઝરાયલમાં શુક્રવારે બોનફાયર ફેસ્ટિવલમાં ભાગદોડ થતાં ૩૮ લોકોનાં મોત થવાના અહેવાલ છે. આ દુર્ઘટનામાં ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર અલગ-અલગ હૉસ્પિટલોમાં કરવામાં આવી રહી છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઘટનાને મોટી આપત્તિ કરાર કરી છે. વડાપ્રધાને કહ્યું કે અમે ઘાયલ થયેલા લોકોના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી રહ્યા છીએ. અત્યાર સુધીની જાણકારી મુજબ, માઉન્ટ મેરનમાં સ્ટેડિયમની સીટો તૂટીને પડી, જેના કારણે સ્ટેડિયમમાં ભાગદોડ થઈ ગઈ. નોંધનીય છે કે, ઈઝરાયલમાં જે સ્થળે દુર્ઘટના થઈ છે, તે ટોમ્બને યહુદીઓનું દુનિયાનું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. જે સમયે આ દુર્ઘટના થઈ તે સમયે હજારો અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહૂહી વાર્ષિક સ્મરણોત્સવ માટે બીજી શતાબ્દીના સંત રબ્બી શિમોન બાર યોચાઈની કબર પર એકત્રિત થયા હતા. નોંધનીય છે કે, અહીં આખી રાત પ્રાર્થના અને ડાન્સનું આયોજન કરવામાં આવે છે. શુક્રવારે દર વર્ષની જેમ જ આવું આયોજન થઈ રહ્યું હતું. આ દરમિયાન આ દુર્ઘટના થઈ ગઈ અને ઘણા લોકોનાં મોત થયા છે. સોશિયલ મીડિયા પર દુર્ઘટનાની જે તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે તે ઘણા વિચલિત કરનારાં છે. વીડિયોમાં લોકો બહાર જવા માટે એક બીજા પર ચડી રહ્યા છે. આ દુર્ઘટનામાં ૧૦૦થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દેશની ઇમરજન્સી સર્વિસના મેગન ડેવિડ એડમે જણાવ્યું કે, ગંભીર રીતે ઘાયલ લોકોનું રેસ્કયૂ કરવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી. ૬ હેલિકોપ્ટરની મદદથી ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પોલીસનું કહેવું છે કે દુર્ઘટના ત્યારે થઈ જ્યારે કેટલાક લોકો સીડીઓ પર ફસડાઈ પડયા. ત્યારબાદ એક પછી એક લોકો એક બીજા પર પડતા જ ગયા.