ડ્રગ્સની તસ્કરી કરી રહેલા સરકારી શિક્ષક સહિત 4ની પાકિસ્તાન સરહદેથી ધરપકડ

August 08, 2022

બાડમેર : ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા બાડમેર જિલ્લામાં પોલીસને ફરી એકવાર ગેરકાયદે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપવામાં સફળતા મળી છે. પોલીસે આ મોટી કાર્યવાહી હાથ ધરતા એક સસ્પેન્ડ કરાયેલા સરકારી શિક્ષક સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી એક કરોડની કિંમતના મોર્ફિન અને ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા છે. પોલીસ આ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. આરોપીઓ વિરૂદ્ધ ભૂતકાળમાં પણ ગેરકાયદેસર ડ્રગ્સની દાણચોરીના કેસ નોંધાયેલા છે. પોલીસે આ કાર્યવાહી પાકિસ્તાનની સરહદે આવેલા બાડમેર જિલ્લાની સરહદે ચૌહટન પોલીસ સ્ટેશન વિસ્તારના ધનાઉમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો.

મળતી માહિતી મુજબ, ચૌહટન પોલીસને બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે, ધનાઉ-ધોરીમાણા ફાંટા પાસે કેટલાક લોકો મોર્ફિનનો જથ્થો સપ્લાય કરવા માટે આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સુરેશ વિશ્નોઈ રહેવાસી જુની નગર, ઓમપ્રકાશ ઉર્ફે બજરંગ વિશ્નોઈ રહેવાસી લુણવા ચારણાન, મૂલારામ વિશ્નોઈ રહેવાસી રાવલી નાડી અને સુરેશ રહેવાસી વોઢા કરડાની ધરપકડ કરી હતી. પોલીસે તેમના કબજામાંથી 1 કિલોગ્રામ મોર્ફિન, એક પિસ્તોલ અને એક મેગેઝિન કબજે કર્યું છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કરડાના રહેવાસી સુરેશ કુમાર સરકારી શિક્ષક છે. તે REET ભરતી પરીક્ષામાં અન્ય ઉમેદવારની જગ્યાએ પરીક્ષા આપતા પકડાયો હતો. ત્યાર બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તે હજુ પણ સસ્પેન્શન હેઠળ છે. તે પોતાના અન્ય 3 સાથિયો સાથે સરહદી વિસ્તારમાં ડ્રગ્સની દાણચોરી કરવા આવ્યો હતો પરંતુ પોલીસે તેઓને પકડી લીધા હતા. જપ્ત કરાયેલા મોર્ફિનની કિંમત 1 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. હાલ પોલીસ આ આરોપીઓની ઉંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે.