કેનેડામાં 4 ગુજરાતીના મૃત્યુનો કેસ:1 લાખ ડોલર ખર્ચનાર સમૃદ્ધ પરિવાર અમેરિકામાં આવે છે શા માટે? અમેરિકા-કેનેડાની પોલીસ પણ ગોથે ચડી

January 29, 2022

યુએસ-કેનેડા બોર્ડર પર એક ગુજરાતી પરિવારનાં સભ્યનાં મોતની તપાસ ચાલી રહી છે. આ મામલે એવા કેટલાક પુરાવા કેનેડા પોલીસના અધિકારીઓ સામે આવ્યા છે, જે મૂંઝવણ ઊભી કરી રહ્યા છે. હવે પોલીસ આ ઘટના સાથે જોડાયેલા અનેક સવાલોના જવાબ શોધી રહી છે. આ પરિવારે અમેરિકા જવા માટે 1 લાખ ડોરલ ( લગભગ 75 લાખ રૂપિયા) ખર્ચ્યા હોવાની વાત સામે આવી છે. હવે કેનેડા અને અમેરિકાની પોલીસ પણ ગોથે ચડી છે કે આ પરિવાર આટલો સમૃદ્ધ હતો તો શા માટે અમેરિકા પહોંચવા માટે 75 લાખ રૂપિયા ખર્ચ્યા? આખરે એવી કઈ મજબૂરી હશે કે આ પરિવારે આટલી મોટી રકમ ખર્ચવી પડી. જોકે પ્રાથમિક દૃષ્ટિએ પોલીસને માનવ તસ્કરીનો મામલો લાગે છે.

કેનેડા તો આવી ગયા તો પછી સરહદ પાર કરીને અમેરિકા શા માટે જવા માગતા હતા?
કેનેડામાં કેમ ન રહ્યા?
અહીં રહેતા અનેક ગુજરાતી પરિવારો કેનેડાના આ ભયંકર વાતાવરણને જાણે છે છતાં તેમણે આ લોકોને કેમ ન રોક્યા?
પોલીસ અધિકારીઓ દ્વારા એવી અટકળો લગાવાઈ રહી છે કે પરિવારને કેનેડાનું વાતાવરણ વધુ ઠંડું લાગ્યું હોઈ શકે છે. આ ઉપરાંત અમેરિકામાં ગુજરાતીઓ અને ખાસ કરીને પટેલ પરિવારોનું નેટવર્ક વધુ સારું છે. અહીં 1.5 લાખથી વધુ પટેલો રહે છે.

કેનેડાની મોનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે (RCMP)એ સત્તાવાર પુષ્ટિ કરી હતી કે અમેરિકાની બોર્ડર માત્ર 12 મીટર દૂર કેનેડાની બોર્ડર નજીક મોનિટોબાના ઈમરસન વિસ્તારમાંથી આ ચાર ગુજરાતી પરિવારના મૃતદેહો મળ્યા હતા. આ ષડયંત્રમાં સામેલ એક એજન્ટ સ્ટીવન સેન્ડની ધરપકડ કરાઈ છે. અધિકારીઓનું કહેવું છે કે કડકડતી ઠંડી સામે લડવા માટે પરિવાર પાસે સારી વ્યવસ્થા હતી. જ્યારે એજન્ટોએ પણ એક સમાન દેખાતા શિયાળાનાં કપડાં પણ આપ્યાં હતાં. જોકે આ કપડાં સીઝન પ્રમાણે પૂરતાં નહોતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેઓ પહેલાંથી જ તેની આદત ધરાવે છે, તેમના માટે પણ હવામાન મુશ્કેલ હતું. આ વખતે કેનેડામાં ઠંડીનો કહેર પહેલાં કરતાં વધુ છે. પરિવારના ચારેય સભ્યોના મૃતદેહ મળ્યા પહેલા લગભગ 16 કલાક સુધી કડકડતી ઠંડીમાં જ પડ્યા હતા. આનો અર્થ એ થયો કે એજન્ટ પણ વાસ્તવિક સ્થિતિથી અજાણ હતો.
યુએસ-કેનેડા બોર્ડર પર ગત 19 જાન્યુઆરીએ અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવા જતાં ભારે ઠંડીને કારણે થીજી જવાથી મૃત્યુ પામેલાં એક બાળક સહિતની ચારેય વ્યક્તિ ગુજરાતના ડિંગુચા ગામની હોવા અંગેની પુષ્ટિ કેનેડાની મોનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે (RCMP) કરી છે. આ અંગેની માહિતી તેણે ભારતના હાઈ કમિશનને આપી છે.

ભારતના હાઈકમિશને ગુરવારે આ અંગે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે કેનેડાના અધિકારીઓએ ચાર મૃતકના મૃતદેહોની ઓળખ કરી લીધી છે. તેમનાં નામ જગદીશ બળદેવભાઈ પટેલ (ઉંમર-39), વૈશાલીબેન જગદીશકુમાર પટેલ( ઉંમર-37), વિહંગી જગદીશકુમાર પટેલ( ઉંમર-11) અને ધાર્મિક જગદીશ કુમાર પટેલ (ઉંમર-3) છે.

કેનેડામાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. ત્યારે કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં થીજેલી હાલતમાં 4 મૃતદેહ મળ્યા હતા અને આ ગુજરાતનો પટેલ પરિવાર હોવાનું બહાર આવ્યું હતું. કલોલના ડિંગુચાનો એક પટેલ પરિવાર હોવાની વાત વહેતી થતાં તેમણે જણાવ્યું હતું કે તેમનો પરિવાર 4 દિવસથી ગુમ છે, પુત્ર 10 દિવસ પહેલાં કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો. આ પછી ભારતીય દૂતાવાસે આ ઘટનાને ગંભીર દુર્ઘટના ગણાવી હતી.પોલીસનું કહેવું છે કે પ્રાથમિક દૃષ્ટિએ આ માનવ તસ્કરીનો મામલો હોવાનું જણાય છે. આ ચારેય લોકોને માનવ તસ્કરી માટે અહીં લાવવામાં આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.