ભારતમાં કોરોનાથી ૪૭ લાખનાં મોત : યુએસ ગ્રૂપ

July 21, 2021

નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણના કારણે સત્તાવાર રીતે ૪,૧૪,૪૮૨ લોકોના મોત થયા હોવાનંુ જાહેર કરવામાં આવ્યું છે પણ એક અમેરિકન રિસર્ચ ગ્રૂપ દાવો કરે છે કે આ વર્ષના જૂન સુધીમાં જ ભારતમાં કોરોનાના કારણે ૩૪થી ૪૭ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં ભારતની આગળ ફક્ત અમેરિકા અને બ્રાઝિલ જ છે. અમેરિકામાં કુલ ૬.૦૯ લાખ લોકોના મોત થયા છે જ્યારે બ્રાઝિલમાં ૫.૪૨ લાખ લોકોના મોત નોંધાયા છે. અમેરિકી સ્ટડી ગ્રૂપ સેન્ટર ઓફ ગ્લોબલ ડેવલપમેન્ટના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના સત્તાવાર આંકડાની સરખામણીએ વાસ્તવિક મોત ૧૦ ગણા છે. ભારતમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન કોરોના સંક્રમણને લઇને મોટી સંખ્યામાં મોત નોંધાયા હતાં. સંશોધનકારોનું કહેવું છે કે વાસ્તવમાં મોતના આંકડા અનેક મિલિયન પણ હોઇ શકે છે. જો આ આંકડાને જોવામાં આવે તો ભારતમાં આઝાદી અને વિભાજન પછી આ સૌથી મોટી ટ્રેજેડી છે. નોંધનીય છે કે આ સ્ટડીના લેખકોમાં ભારતના મુખ્ય આર્થિક સલાહકાર રહી ચૂકેલા અરવિંદ સુબ્રમણિયન સ્વામી પણ સામેલ છે. આ સેન્ટરે મોતના સાચા આંકડા શોધવા માટે કોરોનાકાળ દરમિયાન દેશમાં થયેલાં મોત અને તે અગાઉના વર્ષો દરમિયાન નોંધાયેલાં મૃત્યુઆંકની સરખામણી કરીને વિશ્લેષણ કર્યું હતું. તેને આધારે સેન્ટરે ૨૦૨૦થી ૨૦૨૧ દરમિયાન મોતના આંકડા શોધ્યા હતા અને તેને કોરોના સાથે જોડીને સરકારી આંકડા સામે સવાલ ઊભો કર્યો છે. જો કે અભ્યાસ કહે છે કે મોતના આંકડાને કોરોના સાથે જોડવા અત્યંત કઠિન છે, જો કે અનુમાનોથી ખ્યાલ આવે છે કે કોરોનાના કારણે જ પાછલા વર્ષે મૃત્યુનો આંક આટલો ઊંચો રહ્યો છે. દરમિયાન ફ્રાન્સના રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ફોર ડેવલપમેન્ટના નિષ્ણાત ક્રિસ્ટોપે ગુઇલમોટોએ પણ તાજેતરમાં કરેલા અભ્યાસમાં મે સુધીમાં ભારતમાં કોરોનાના કારણે ૨૨ લાખ લોકોના મોત થયા હોવાનો અંદાજ મૂક્યો છે. જો કે તેણે ઉમેર્યું હતું કે વિશ્વની તુલનાએ ભારતમાં દર ૧૦ લાખે મોતનો આંકડો અડધો છે.