અઢી કરોડની વસતીવાળા શાંઘાઇમાં 3 કેસ મળતા 500 ફ્લાઇટ રદ, સ્કૂલો બંધ

November 27, 2021

બેઈજિંગ : છેલ્લાં બે વર્ષથી આખી દુનિયા કોરોનાના કેર સામે ઝઝૂમી રહી છે. નવા વેરિયન્ટ આવી રહ્યા છે. યુરોપમાં સંક્રમણ પર કાબૂ મેળવી શકાતો નથી પરંતુ ચીનમાં સ્થિતિ નિયંત્રણમાં છે. ચીન ઝીરો કોવિડ પોલિસીનું ચુસ્તપણે પાલન કરી રહ્યું છે. અઢી કરોડથી વધુ વસતીવાળા શાંઘાઇમાં માત્ર 3 નવા કેસ આવતાં 500 ફ્લાઇટ રદ કરી દેવાઇ અને સ્કૂલો પણ બંધ કરી દેવાઇ.

લૉકડાઉન હટ્યા બાદ ઘણા દેશોએ તેમની સરહદો ખુલ્લી મૂકી દીધી જ્યારે ચીને હજુ સુધી તેની સરહદો લગભગ બંધ રાખી છે. ભારતથી 23 હજાર સ્ટુડન્ટ્સ ચીન જવા રાહ જોઇ રહ્યા છે. ચીનના એરપોર્ટ્સ પર ઉતરવા સાથે જ પોલિસી સંબંધી કડક નિયમો લાગુ થઇ જાય છે. ટેસ્ટિંગ ઉપરાંત 21 દિવસ સુધી ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રહેવું પડે છે.

તે દરમિયાન કોઇ પેસેન્જરનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેણે વધુ સમય માટે ક્વોરેન્ટાઇન થવું પડે છે. જોકે, ચીનમાં વિદેશની કોઇ પણ ફ્લાઇટ બેજિંગમાં લેન્ડ નથી થઇ શકતી. એક વર્ષથી વધુ સમયથી ચીનમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ અન્ય શહેરોમાં જ લેન્ડ થાય છે.

થોડા મહિના અગાઉ વુહાનમાં ફરી કોરોનાના કેસ આવતાં આખા શહેરના નાગરિકોનો કોરોના ટેસ્ટ કરાયો. એક કેસ આવે તોપણ આખો વિસ્તાર સીલ કરી દેવાય છે. બધાનું ટેસ્ટિંગ થયા બાદ સંક્રમિતોને અલગ કરીને લૉકડાઉન કરી દેવાય છે.

વીચેટ ઍપ દ્વારા હેલ્થ કોડ ચેક કરાય છે. કોડ ગ્રીન ન હોય તો કોઇ જ સ્થળે એન્ટ્રી નથી મળતી. ચીનમાં હોટલ, બાર, ક્લબ, જિમ, સ્પા અને સ્વિમિંગ પૂલ સહિત બધું જ ચાલુ છે. એક અબજથી વધુ લોકોને વેક્સિનના બંને ડોઝ અપાઇ ચૂક્યા છે.