ગુજરાતમાં વધુ 620 કેસ : સુરતે અમદાવાદને ઓવરટેક કર્યું

July 01, 2020

- કોરોનાના વધતા કેસથી સુરતની ચિંતાજનક 'સૂરત' : સુરતમાં 199-અમદાવાદમાં 197 કેસ


- ગુજરાતમાં એક્ટિવ કેસ 6928, વધુ 422 દર્દીઓ સાજા થયા : અમદાવાદમાં કુલ કેસનો આંક 21 હજાર નજીક

- ગુજરાતમાં સતત ચોથા દિવસે 600થી વધુ કેસ : છેલ્લા 24 કલાકમાં 20 સાથે કુલ મરણાંક 1848


અમદાવાદ- કોરોના વાયરસના કેસમાં સુરતમાં હવે દિવસેને દિવસે ચિંતાજનક સિૃથતિ સર્જાઇ રહી છે. ગુજરાતમાં 19 માર્ચે કોરોનાનો સૌપ્રથમ કેસ નોંધાયો ત્યારથી લઇને અત્યારસુધીમાં પ્રથમવાર એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાવવાને મામલે સુરતે હવે અમદાવાદને પાછળ પાડી દીધું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 197, સુરતમાં 199 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં 1 દિવસમાં 200થી ઓછા કેસ નોંધાયા હોય તેવું બે મહિનામાં પ્રથમવાર બન્યું છે. સમગ્ર રાજ્યમાંથી છેલ્લા 24 કલાકમાં વધુ 620 સાથે કુલ કેસનો આંક હવે 32643 ઉપર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન સુરત શહેરમાંથી 183-સુરત ગ્રામ્યમાંથી 16 એમ કુલ 199 અને અમદાવાદ શહેરમાંથી 182-અમદાવાદ ગ્રામ્યમાંથી 15 એમ કુલ 197 કેસ નોંધાયા હતા. આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 4829 થયો છે. સુરતમાં 26 જૂનથી લાગલગાટ દરરોજના 180થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં જ સુરતમાં કોરોનાના કુલ 1772 કેસ નોંધાયેલા છે.

બીજી તરફ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 20913 થયો છે. અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના 1074 કેસ નોંધાયેલા છે. આમ, છેલ્લા પાંચ દિવસની સરેરાશ જોવામાં આવે તો અમદાવાદમાં દૈનિક કેસની સરેરાશ હવે ઘટીને 214 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં 50-વડોદરા ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે.

આમ, વડોદરામાં કોરોનાના કુલ કેસનો આંક હવે 2267 છે. વલસાડમાં કોરોનાના કેસમાં વધારાનો દોર જારી રહ્યો છે અને વધુ 20 કેસ નોંધાયા છે. આ સિવાય જામનગર શહેરમાંથી 15, આણંદમાંથી 14, ગાંધીનગરમાંથી 13, પાટણમાંથી 11 અને કચ્છમાંથી 9 નવા કેસ સામે આવ્યા છે. 

છેલ્લા 24 કલાકમાં 20ના મૃત્યુ સાથે કુલ મરણાંક હવે 1848 થયો છે. અમદાવાદમાંથી સૌથી વધુ 9ના, સુરતમાંથી 4ના, વડોદરા-ગાંધીનગરમાંથી 2-2, જુનાગઢ-પાટણ-નવસારીમાંથી 1-1ના કોરોનાથી મૃત્યુ થયા છે. આમ, કુલ મરણાંક હવે અમદાવાદમાં 1441, સુરતમાં 158, ગાંધીનગરમાંથી 31, વડોદરમાંથી 49 છે.

ગુજરાતમાં હાલ 6928 એક્ટિવ કેસ છે અને તેમાંથી 71 દર્દીઓ વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં 422 દર્દીઓને રજા આપવામાં આવેલી છે. જેમાં અમદાવાદમાંથી 164, સુરતમાંથી 157, વડોદરમાંથી 31નો સમાવેશ થાય છે. અત્યારસુધી કુલ 23670 દર્દીઓ કોરોનાથી સાજા થઇ ગયા છે. ગુજરાતમાં વધુ 5924 સાથે કુલ ટેસ્ટનો આંક હવે 3,73,663 થયો છે.