પાકિસ્તાનના વધુ ૭ ક્રિકેટરો કોરોનાગ્રસ્ત : સંખ્યા ૧૦ થઇ

June 24, 2020

લાહોર : પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ૨૮મી જૂને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે તૈયાર કરી રહી છે પરંતુ ટીમના ત્રણ ખેલાડીના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં ટીમમાં ચિંતાનું વાતાવરણ હતું તેવામાં મંગળવારે સાંજે વધુ સાત ખેલાડી કોરોનાગ્રસ્ત બની ગયા છે. આમ પાકિસ્તાનના દસ ખેલાડી હવે કોરોનાગ્રસ્ત છે. પાકિસ્તાની ટીમનો મસાજર પણ કોરોનાની ઝપટમાં આવી ગયો છે. અગાઉ હૈદર અલી, હેરિસ રઉફ અને શાદાબ ખાનના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. હવે તેમાં વધુ સાત ખેલાડીનો ઉમેરો થયો છે જેમાં મોહમ્મદ હફીઝ અને વહાબ ખાન જેવા સિનિયર ખેલાડીનો પણ સમાવેશ થાય છે. મંગળવારે કોરોનાગ્રસ્ત બનેલા ખેલાડીઓમાં કશીફ ભટ્ટી, મોહમ્મદ હસનૈન, ફખર ઝમાન, મોહમ્મદ રિઝવાન, ઇમરાન ખાન, હફીઝ, વહાબ રિયાઝ, શાદાબ ખાન, હૈદર અલી અને હેરિસ રઉફનો સમાવેશ થતો હતો ઉપરાંત પાકિસ્તાની ટીમના સપોર્ટ સ્ટાફના મસાજ કરનારા મલંગ અલીનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની તૈયારી કરી રહી છે. ટીમ ૨૮મી જૂને લંડન જવા રવાના થાય તે અગાઉ મંગળવારે સવારે ત્રણ ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેમાં સાંજ સુધીમાં વધુ ખેલાડીઓનો ઉમેરો થયો હતો. પીસીબીએ વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે ટીમના શાદાબ ખાન, હેરિસ રઉફ અને હૈદર અલીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હવે ત્રણેય ક્રિકેટર જાતે આઇસોલેશનમાં રહેવાનું છે. ટીમ ઇંગ્લેન્ડ રવાના થાય તે અગાઉ તમામ ખેલાડીને બે વાર ટેસ્ટ કરાવવાના હતા. તેમાં રવિવારે રાવલપિંડી ખાતે ત્રણ ખેલાડીના ટેસ્ટ કરાવાયા ત્યારે કોઈ લક્ષણો દેખાયા હતા. પીસીબીના વડા વસિમ ખાને જણાવ્યું હતું કે પરિસ્થિતિ સારી નથી. કોઈની પણ સાથે આમ બની શકે છે. હવે ૨૫મી જૂને તમામ ખેલાડીની ફરીથી ટેસ્ટ કરાવાશે અને ત્યાર બાદ ૨૬મીએ નવેસરથી ટીમની જાહેરાત કરાશે. પીસીબીની મેડિકલ ટીમ ખેલાડીઓના સંપર્કમાં છે અને તેમને સેલ્ફ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપી દેવામાં આવી છે. અગાઉ મહિનાના પ્રાંરભમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. અગાઉ પાકિસ્તાનના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રિયાઝ શેખનુ કોરોનામાં નિધન થયું હતું.