રાત્રે 3 વાગે આગમાં કોરોનાના 8 દર્દીના મોત, ICU વોર્ડ ખાખ, હોસ્પિ.નું ફાયર NOC નહોતું, હોસ્પિટલ સીલ, ટ્રસ્ટીની અટકાયત

August 06, 2020

અમદાવાદ :  શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે 3:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા છે. જ્યારે અન્ય 41 જેટલા દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયા છે. એવું પણ મનાય છે કે, આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. હાલમાં હોસ્પિટલની બહાર પરિવારજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો માહોલ સર્જાયો છે. જ્યારે સંપૂર્ણ હોસ્પિટલને ખાલી કરી સીલ મારી દેવાયું છે.
આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે. આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતી. તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવશે અને આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી છે તેની પણ તપાસ થશે.

સવારે 3:30એ ફાયર વિભાગને આગ લાગ્યાનો ફોન આવ્યો હતો. ત્યારબાદ ફાયરના એડિશનલ ચીફ ઓફિસર રાજેશ ભટ્ટ સહિત 35 જેટલા ફાયરના જવાનો અને 18 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ તમામ જવાનો હાલમાં સેલ્ફ ક્વોરંટીન થઈ ગયા છે. ફાયર વિભાગનું કહેવું છે કે, અમે દર્દીના સીધા સંપર્કમાં આવ્યા હતા. જ્યારે હોસ્પિટલમાંથી જે 41 દર્દીઓને અત્યાર એસવીપી હોસ્પિટલને ખસેડવામાં આવ્યા છે. હાલમાં આખી શ્રેય હોસ્પિટલને ખાલી કરી દેવામાં આવી છે.

સેક્ટર-1 જેસીપીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં આગ લાગવા મામલે અત્યારે એડી દાખલ કરી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે. જે પણ ઘટનામાં તથ્ય સામે આવશે તેના આધારે તપાસ કરી ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યારે હોસ્પિટલની બેદરકારી હતી કે કેમ તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. અત્યાર સુધી હોસ્પિટલ તરફથી માહિતી આપવામાં આવી છે કે નથી આવી અને મૃતકોના પરિવારજનોને જવાબ આપવામાં નથી આવ્યા તે અંગે અમે તપાસ કરીશું.