98.8 ટકા ભારતીયોનું ચીની વસ્તુઓના બહિષ્કાર માટે સમર્થન

June 29, 2020

મુંબઈ : દેશમાં વિભિન્ન વર્ગના લોકોમાં હાલમાં જ થયેલ ઓનલાઈન સર્વેમાં ૯૮.૮ ટકા લોકોએ ચીની સામાનનો બહિષ્કાર કરવાને સમર્થન આપ્યું છે. આ સર્વે કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ) એ ૧૯ જૂનથી ૨૭ જૂન દરમ્યાન કર્યું હતું. જેમાં ૯૭૩૫ લોકોએ ગુગલ ફોર્મના માધ્યમે ભાગ લઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

સર્વેમાં ચીનની સાથે ચાલી રહેલી હાલની વર્તમાન પરિસ્થિતિ બાબતે પ્રશ્નો પૂછાયા હતાં. જેમાં ૯૦ ટકાથી વધુ લોકોના પ્રત્યુત્તરથી એ સાબિત થાય છે કે દેશવાસીઓમાં ચીનની આ વર્તણૂંકથી રોષ વ્યાપ્યો છે અને તેઓ ચીનને પાઠ ભણાવવા ગમે તે સ્થિતિમાં ચીની માલનો બહિષ્કાર કરવા તૈયાર છે.

કૈટના સૂત્રોના જણાવ્યાનુસાર, સર્વેમાં ૯૫.૮ ટકા લોકોએ ભારતીય સેના પર ચીનના હુમલાને અયોગ્ય ગણાવી છે તો ૯૯.૯ ટકા લોકોએ ભારતીય સેનાના ૨૦ જવાનના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. ૯૭.૬ ટકા લોકો ચીનને પાઠ ભણાવવા માગે છે અને તે માટે ૯૮.૮ ટકા લોકો ભારતીય સેનાની સાથે હોઈ તેઓ ચીની માલના બહિષ્કારના પક્ષમાં હોવાનું જણાયું છે. ૯૭.૮ ટકા લોકો ચીની સામાન ન ખરીદવાના તેમજ ન વેંચવાના પક્ષમાં છે. ૯૩ ટકા લોકોનું એવું પણ માનવું છે કે ફિલ્મ તેમજ ક્રિકેટ સ્ટાર્સે ચીની માલસામાનનો પ્રચાર-પ્રસાર ન કરવો જોઈએ. ૯૬.૫ ટકા લોકોનું એવું પણ માનવું છે કે ભારતે ચીન સાથેના તમામ કરારો રદ્દ કરવા જોઈએ.

કૈટ દ્વારા લેવાયેલ આ સર્વે પરથી સ્પષ્ટ થાય છે કે તમામ દેશવાસીઓ ચીન સામે ખૂબ આક્રમક બન્યા છે. અને આ માટે સૌ એકમતે દેશની સરકાર અને ભારતીય સૈનિકની પડખે છે. કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ મહામંત્રીના જણાવ્યાનુસાર, સર્વેના પરિણામને જોતાં કૈટ હવે વધુ આક્રમકતાથી 'ભારતીય સામાન-અમારું અભિમાન' આ અભિયાન ચલાવી શકશે.