મલાડના માલવાની વિસ્તારમાં 4 માળની ઈમારત પડતાં 11નાં મોત, 7ને ઈજા; મુંબઈમાં ભારે વરસાદને પગલે આજે પણ રેડ અલર્ટ

June 10, 2021

મુંબઈ : બુધવારે સમગ્ર દિવસ દરમિયાન પડેલા વરસાદ પછી મુંબઈના મલાડ-વેસ્ટમાં આવેલા માલવાની વિસ્તારમાં એક ચાર માળની ઈમારત રાત્રે 11.10 કલાકે ધરાશાયી થઈ ગઈ હતી. ઘટના પછી કાટમાળમાંથી 18 લોકોને કાઢવામાં આવ્યા હતા, એમાંથી 11નાં મૃત્યુ થયાં છે, બાકી 7 લોકોની બીડીબીએનગર જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાના સમયે ઈમારતમાં ત્રણ પરિવાર જ રહેતા હતા, એમાં કેટલાંક બાળકો પણ સામેલ છે.

ઘટના પછી ફાયરબ્રિગેડ અને BMCની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી રાહતકાર્ય શરૂ કરી દીધું હતું. ગીચ વસતિ હોવાને કારણે ઘટનાસ્થળે પહોંચવાનો રસ્તો ખૂબ સાંકળો છે. એવામાં રેસ્ક્યૂમાં મુશ્કેલી થઈ રહી છે. એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ અને JCBને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી થઈ હતી.

બ્રૃહન્મુંબઈ નગર નિગમે કહ્યું હતું કે આસપાસની ત્રણ ઈમારત ભયાનક સ્થિતિમાં છે, એને પણ ખાલી કરાવી લેવામાં આવી છે. ઝોન-11ના DCP વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે અમારી ટીમે આખી રાત રેસ્ક્યૂની કામગીરી કરી છે અને હજી પણ કાટમાળમાં કેટલાક લોકો ફસાયેલા હોઈ શકે છે. આ ઘટનાને આખે જોનાર શાહનવાઝ ખાને જણાવ્યું હતું કે અમારો ફોન ગયા પછી તરત જ ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કર્યું હતું.