ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ટી-20 સિરીઝમાંથી બહાર થઈ શકે છે આ મિસ્ટ્રી સ્પિનર

March 01, 2021

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટી-20 સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે. ભારતના મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી ઇંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝમાં રમશે કે નહીં તે નક્કી નથી. ભારતીય ટીમને 12 માર્ચથી અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટી-20 સિરીઝ રમવાની છે.


મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી દાવો કરી ચૂક્યો છે કે, તે સાત પ્રકારથી બોલ ફેંકી શકે છે. તેમાં ઓફબ્રેક, લેગબ્રેક, ગુગલી, કેરમ બોલ, ફ્લિપર, ટોપસ્પિન, યોર્કર સામેલ છે. મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તીનું બહાર થવું ટીમ ઇન્ડિયા માટે મોટા ઝટકા સમાન છે.


29 વર્ષનો સ્પિનર વરૂણ ચક્રવર્તી ભારતીય ખેલાડીઓ માટે સેટ કરવામાં આવેલા નવા ફિટનેસ બેન્ચમાર્કમાં સેટ થઈ શક્યો નહીં. નવા ફિટનેસ બેન્ચમાર્ક અંતર્ગત 8.5 મિનિટની અંદર બે કિલોમીટર દોડ પૂર્ણ કરવાની હોય છે અથવા યો યો ટેસ્ટમાં 17.1 નો સ્કોર કરવાનો હોય છે. વરૂણ ચક્રવર્તી પાસે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ ભારતીય ટીમમાં ડેબ્યૂ કરવાની તક હતી, પરંતુ ઇજાગ્રસ્ત હોવાના કારણે તે ત્યાં પણ ટીમથી બહાર થયો હતો. ચક્રવર્તીએ કહ્યું કે, તે હજુ પણ BCCI ના જવાબની રાહ જોશે. તેણે કહ્યું, અત્યાર સુધી તેને કંઇ જણાવવામાં આવ્યું નથી.