પાકિસ્તાન ઝિંદાબાદના નારા બદલ યુવતી સામે દેશદ્રોહનો કેસ

February 22, 2020

બેંગાલુરૂ : વિવાદીત નેતા અસાદુદ્દીન ઓવૈસીની હાજરીમાં બેંગાલુરૂના એક કાર્યક્રમમાં એક યુવતીએ જાહેર મંચ પરથી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. આ મામલે યુવતીની વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે અને તેને કોર્ટે 14 દિવસ માટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધી હતી.

અમૂલ્યા નામની આ યુવતી જ્યારે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાતવી હતી ત્યારે ઓવેસી પણ સ્ટેજ પર હાજર હતા, તેમણે બાદમાં યુવતી પાસેથી માઇક છીનવી લઇ આવા નારા ન લગાવવા કહ્યું હતું. 

અમૂલ્યાએ આ નારેબાજી બેંગાલુરૂમાં એક કાર્યક્રમમાં કરી હતી. જોકે ત્યાં હાજર પોલીસ અને સ્ટેજ પર અન્ય લોકોએ તેને અટકાવી બાદમાં અમૂલ્યાએ હિંદુસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવ્યા હતા.

થોડા સમય સુધી રકજક થતા અમૂલ્યાએ પાકિસ્તાન ઝિંદાબાદ હિંદુસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાના ચાલુ રાખ્યા હતા. જોકે બાદમાં પોલીસે તેની અટકાયત કરી લીધી હતી અને દેશદ્રોહનો કેસ તેની સામે દાખલ કરવામા આવ્યો છે. કોર્ટમાં હાજર કરાતા કોર્ટે તેને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધી છે. 

આ યુવતીનું પુરૂ નામ અમૂલ્યા લીયોના છે અને તેણે આ નારો બેંગાલુરૂના ફ્રીડમ પાર્કમાં સીએએ વિરૂદ્ધ આયોજીત રેલીમાં લગાવ્યો હતો.  આ રેલીના આયોજકોની સામે પણ પોલીસે કાર્યવાહી કરી છે અને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

જ્યારે બીજી તરફ યુવતીના આ નિવેદન બાદ અસાદુદ્દીન ઓવૈસીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારી યુવતીને અમારા પક્ષ સાથે કઇ જ લેવાદેવા નથી અને મે ખુદ તેને નારા લગાવતા અટકાવી હતી.