સુરતના સણીયા હેમાદ ગામમાં વેલવેટ કાપડના કારખાનામાં આગ ફાટી નીકળી

September 24, 2022

શુક્રવારે મોડી રાત્રે સુરત જિલ્લના સણીયા હેમાદ ગામ ખાતે શુભમ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા વેલવેટ કાપડના કારખાનામાં આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડની ટીમે બે કલાકે આગ પર કાબુ મેળવતા સૌએ રાહત અનુભવી હતી. મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના સણીયા હેમાદ ગામ ખાતે શુભમ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કાપડ સહિતના કારખાના આવ્યા છે.

શુક્રવારે મોડી રાત્રે એક વાગ્યા આસપાસ શુભમ ઈન્ડસ્ટ્રીઝમાં ખાતા નં.૫,૬માં આવેલા સાંઈટેકસ કાપડ ડોપિંગ વેલવેટ નામના કાપડના કારખાનામાં આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. જેની જાણ થતા ડુંભાલ અને પુણા ફાયર બ્રિગેડના લશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર ફાઈટરોએ બે કલાકની ભાર જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

 

ફાયર ઓફિસર મનોજ શુક્લાએ જણાવ્યું હતું કે, કારખાનું બંધ હતું. તે સમયે આગની ઘટના બની હતી. જેથી કારખાનામાં આગ શોર્ટ સાર્કિટને કારણે લાગી હોવાની શક્યતા છે. ફાયરની ટીમે બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગમાં કાપડનો જથ્થો, મશીનરી સહિતના સામાનને નુકસાન થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નહોતી.