લોકડાઉન વચ્ચે પણ રાજસ્થાનમાં બે સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

April 06, 2020

જયપુર: લોકડાઉન વચ્ચે પણ રાજસ્થાનમાં બે જગ્યાએ મેળાનુ આયોજન થયુ હતુ અને તેમાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતા.

મળતી વિગતો પ્રમાણે રાજસ્થાનના બૂંદી જિલ્લાના રામનગર અને લાખેરી નામના તાલુકામાં અંધવિશ્વાસની પરાકાષ્ટા જોવા મળી હતી. 

રામનગરમાં પરંપરા પ્રમાણે ઝંડા યાત્રાનુ આયોજન કરાયુ હતુ જ્યારે લાખેરીમાં માતાજીના મંદિર પાસે આવુ દ્રશ્ય જોવા મળ્યુ હતુ. જ્યાં મંદિરના પૂજારી અચાનક ધૂણવા માંડ્યા હતા અને સેંકડો લોકો તેને જોવા માટે ભેગા થઈ ગયા હતા.

પોલીસને આ વાતની ખબર પડતા સ્થળ પર જઈને પોલીસે લોકોને ભગાડ્યા હતા.લોકોને સમજાવવા માટે પોલીસને ભારે મહેનત કરવી પડી હતી. મંદિરના પૂજારીને પણ પોલીસે સમજાવવા પડ્યા હતા.

રામનગરમાં તલવારના ખેલ બતાવાઈ રહ્યા હતા અને તેને જોવા માટે રસ્તાથી માંડી અગાસીઓ પર લોકો ભેગા થયા હતા. પોલીસે આ મામલામાં પાંચની ધરપકડ કરી છે.