ઇરાનમાં 5.9ની તીવ્રતાના ભૂકંપથી તબાહી; 7 મોત, 800થી વધુ ઘાયલ

January 30, 2023

ઉત્તર-પશ્ચીમ ઇરાનના પશ્ચીમ અઝરબૈજાન પ્રાંતના ખોય શહેરમાં શનિવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા, જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.9ની નોંધાઇ હતી. ઇરાનના મીડિયા રિપોટ્ર્સ મુજબ ભૂકંપમાં અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત થયાં છે અને 800થી વધુ લોકો ઘાયલ થયન છે.

રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. ભૂકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં અને તેની આસપાસના વિસ્તારોમાં લોકો ભયભીત છે. ભૂકંપથી ખોય શહેરમાં ઘણા મકાનો ધરાશાયી થયાં હતી. મીડિયાના જણાવ્યા મુજબ ખોય શહેરમાં ભૂકંપનો ભારે તીવ્ર આંચકો અનુભવાયો હતો.

પશ્ચીમ અઝરબૈજાન પ્રાંતના ઘણા વિસ્તારોમાં ધરા ધ્રૂજી હતી અને જાનમાલનું ભારે નુકસાન થયાના અહેવાલ છે. ધરાશાયી થયેલાં મકાનોના કાટમાળ તળે ઘણા લોકો દબાયેલા હોવાની ભીતિને પગલે મૃત્યુઆંક વધી શકે છે.