પીઓકેમાં ચીન દ્વારા સૈનિકમથકનું નિર્માણ કરાયું

September 16, 2020

નવી દિલ્હી: લદ્દાખમાં એલએસી પર મોટી સંખ્યામાં ચીની સેનાના જમાવડા અને ચીની સેના લદ્દાખમાં ઓપ્ટિકલ ફાઇબર બિછાવી રહી હોવાના અહેવાલોએ ભારતીય સેના સામે નવો પડકાર ઊભો કર્યો છે તો બીજીતરફ એલઓસી પર પાકિસ્તાની સેના દ્વારા થઈ રહેલું યુદ્ધવિરામ ઉલ્લંઘન ૧૭ વર્ષની સૌથી ઊંચી સપાટી પર પહોંચ્યું છે. સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર ૧ જાન્યુઆરીથી ૭ સપ્ટેમ્બર સુધીમાં એલઓસી પર પાકિસ્તાની સેના દ્વારા ૩,૧૮૬ વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરાયું છે. આજ સમયગાળામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની સેના દ્વારા ગોળીબારની ૨૪૨ ઘટના બની છે. આમ ભારતીય સેના એલએસી અને એલઓસી એમ બેવડા મોરચા પર લડી રહી છે. પાકિસ્તાન અને ચીન બંને સાથે મળીને ભારતને સંયુક્ત પડકાર આપી રહ્યાં છે. પાકિસ્તાન ચીનને પચાવી પાડેલા કાશ્મીરમાં તમામ સુવિધાઓ પૂરી પાડી રહ્યો છે. ચીન પાકિસ્તાની કબજા હેઠળના ગિલગિટમાં પાકિસ્તાની સેનાની મદદથી સૈનિક મથકનું નિર્માણ કરી રહ્યો છે. પીઓકેમાં ચાલી રહેલા ચીની પ્રોજેક્ટોની સામે પાકિસ્તાને ચીનને ગ્વાદર, ગિલગિટ અને બાલ્ટિસ્તાનના સૈનિક મથકોનો ઉપયોગ કરવાનો અધિકાર આપી દીધો છે. ગિલગિટમાં ચીની સેનાની એન્ટ્રીથી પાકિસ્તાનની સ્થિતિ વધુ મજબૂત બનશે.