રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા નવું કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયું

July 14, 2020

રાજકોટ: શહેરમાં દર કલાકે કોરોના પોઝિટિવનો એક કેસ નોંધાવાની સાથે ધીરે ધીરે હવે સંક્રમણ તેની ચરમસીમાએ પહોંચ્યું છે. આજે વધુ ૧૨ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે છેલ્લા ૧૮ કલાકમાં ૧૮ કેસ નોંધાયા છે. જેથી રાજકોટ શહેરમાં કુલ કેસની સંખ્યા ૪૦૦ને પાર પહોંચી ગઈ છે. બીજી બાજુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વાઈરસ વધતા જતા કેસને લઈને અતિ આધુનિક કોવિડ કેર તૈયાર કરવામાં આવ્યું છે.

મોરબી રોડ પર આવેલ કોમ્યુનીટી હોલ ખાતે પુઠાના ૭૦ બેડનું કોવિડ કેર સેન્ટર બનાવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે આજે ઊનામાં ૧૧ વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે રાજકોટ શહેરમાં ૧૨ કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે એકનું મોત નિપજ્યું છે.

આ ઉપરાંત ગોંડલમાં એક અને જામનગરમાં બે કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના વધી રહેલા કેસને પગલે કેસ રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન કે.પી.પાદરીયાએ કોરોનાનો મૃત્ય આંક છુપાવવામાં આવતો હોવાનો આરોગ્ય વિભાગ પર આક્ષેપ લગાવતા કહ્યું હતુ કે પૂરતા ટેસ્ટ કરવામાં આવતા નથી અને આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.