અદાણીના માથે આવી નવી મુસીબત, હવે KLP અદાણી પોર્ટ્સમાંથી રોકાણ પરત ખેંચશે

June 22, 2021

મુંબઈ ઃ થોડા દિવસોથી ગૌતમ અદાણીની મુશ્કેલીએઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. અગાઉ 3 વિદેશી FPIના એકાઉન્ટ ફ્રીઝ કરવાની ખબરને કારણે અદાણીના શેરો ધડામ કરી તૂટ્યા હતા અને અદાણીની સંપત્તિમાં 1 લાખ કરોડ કરતાં પણ વધારે રૂપિયાનું નુકસાન થયું છે. આ વચ્ચે અદાણી માટે વધુ એક માઠા સમાચાર છે.


અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં રોકાણ કરનાર નોર્વેની સૌથી મોટી પેન્શન કંપની KLP પોતાનું રોકાણ પાછું ખેંચી રહી છે. KLPનું કહેવું છે કે અદાણી પોર્ટ્સના સંબંધ અને બિઝનેસ મ્યાનમારની મિલિટ્રી સરકાર સાથે છે જે કંપનીની નીતિઓની વિરુદ્ધમાં છે. આ માટે કંપની અદાણી પોર્ટ્સમાંથી પોતાનું રોકાણ પરત લઈ રહી છે. ફેબ્રુઆરી 2021માં મ્યાનમારમાં ત્યાંની મિલિટ્રી દ્વારા ચૂંટાયેલી સરકારનો તખતાપલટ કરી દેવામાં આવ્યો હતો. તેનો વિરોધ કરનાર લોકો પર સેના દ્વારા ભારે હિંસા કરવામાં આવી હતી. આ કારણે ઈન્ટરનેશનલ લેવલે પણ તેની આકરી ટીકા કરવામાં આવી હતી. અને ત્યાંના મિલિટ્રી શાસન પર અનેક પ્રકારના પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા હતા.


ભારતની સૌથી મોટી પોર્ટ ઓપરેટર કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ દ્વારા મ્યાનમારના યંગૂનમાં પોર્ટને ડેવલપ કરવા માટે ત્યાંની મિલિટ્રી ઓન્ડ બિઝનેસમેન પાસેથી જમીન લીઝ પર લીધી છે. આ કારણથી જ કંપની છેલ્લા અનેક મહિનાઓથી ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટર્સની સ્ક્રૂટનીમાં છે. KLPએ નિવેદનમાં કહ્યું કે, મ્યાનમારમાં ત્યાંની મિલિટ્રીની સાથે અદાણી પોર્ટ્સની પાર્ટનરશિપ અમારી નીતિઓનું ઉલ્લંઘન છે અને આ અમારા માટે સ્વીકાર કરવા લાયક રિસ્ક નથી. આ માટે અમે અદાણી પોર્ટ્સમાંથી વિનિવેશ કરવાનો નિર્ણય કર્યો છે. અદાણી પોર્ટ્સમાં KLPના 1.05 મિલિયન ડોલર એટલે કે 8 કરોડ રૂપિયાનું રોકાણ છે. જો કે આ મામલામાં અદાણી પોર્ટ્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. આજે અદાણી પોર્ટ્સના શેરમાં 1.48 રૂપિયાની તેજી આવી 741.90 રૂપિયા પર બંધ થયો હતો.